વડોદરા : જિલ્લાના પાદરા ચોકસી બજારમાં આવેલી સોનીની દુકાનમાં ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. લોખંડની જાળીએ લગાવેલા તાળા ચોરોએ તોડી દુકાનમાં પ્રવેશીને સોનાના દાગીનાની ચોરી કરી છે. 4,44,000ની કિંમતનું 84 ગ્રામ સોનું ઉઠાવી ગયા છે. આ ચાલાક ચોર ટોળકી CCTVનું DVR પણ ઉઠાવી સાથે લઈ ગયા છે. આ બનાવ બાબતે દુકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોકસી બજારમાં ચોરીનો બનાવ : પાદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે પાદરા ચોક્સી બજારમાં નાંદેરા શેરીમાં કિરણકુમાર રમેશચંદ્ર સોની પોતાનાં પરિવાર સાથે રહે છે. પાદરાનાં ચોકસી બજારમાં સોનીની દુકાન ધરાવે છે. બે દિવસ પહેલાં તેઓની દુકાનની બે લોખંડની જાળીમાં લગાવેલા તાળા કોઈ અજાણ્યા શખ્સો તોડી નાખ્યા હતા. દુકાનના ડ્રોઅરમાં ડબીમાં મુકેલું સોનાના દાગીના બનાવવાનું 84 ગ્રામ સોનાનું મટીરીયલ ચોરી કરી ગયું હતું.
પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી : આ ચોરીના બનાવની જાણ દુકાનદાર કિરણકુમારે પાદરા પોલીસને કરતા પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. દુકાનમાં તસ્કરો કેવી રીતે પ્રવેશ્યા અને કેટલા રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ગયા તે અંગેની તપાસ હાથ ધરી હતી. કિરણકુમાર સોનીએ પોલીસને દુકાનમાંથી તસ્કરો રૂપિયા 4,44,400ની કિંમતનું સોનાના દાગીના બનાવવાનું 84 ગ્રામ મટીરીયલ તેમજ રૂપિયા 5 હજારની કિંમતનું CCTVનું DVR ચોરી કરી ગયા હોવાનું પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું.
જાળીને લગાવેલા તાળા તોડ્યા : પોતાના રોજિંદા ક્રમ મુજબ દુકાનમાં આવેલા કિરણકુમાર સોનીએ દુકાનની જાળીને લગાવેલા તાળા તૂટેલા જોતાં ચોંકી ઉઠ્યા હતા. આ દરમિયાન દુકાનમાં જઈ તપાસ કરતા ડ્રોઅરમાં ડબીમાં મુકેલા સોનાના દાગીના બનાવવા માટેનું મટીરીયલ સામે આવ્યું ન હતું. બાદમાં દુકાનમાં કેટલા લોકો પ્રવેશી ચોરી કરી જાણવા માટે CCTVના ફૂટેજ તપાસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તસ્કરો DVR પણ ચોરી કરી ગયા હોવાનું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : Navsari Crime News : મુસાફરોના સ્વાંગમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ, રાજ્યવ્યાપી ચોર ટોળકીનો પર્દાફાશ
ચોરીની ઘટનાથી સોની બજારમાં ફફડાટ : પાદરાના સોની બજારમાં ચોરીની ઘટનાથી ચકચાર જોવા મળી હતી. આ ઘટનાથી અન્ય દુકાન માલિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પાદરા પોલીસે આ બનાવની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે આ ઘટનામાં સામેલ અજાણ્યા તસ્કરોને શોધી કાઢવા માટે ચોકસી બજારમાં લાગેલા અન્ય CCTVના ફૂટેજ લેવાની તજવીજ હાથ ધરી છે. આ અજાણ્યા શખ્સોને ઝડપી પાડી ઘટનાનો ભેદ ઉકેલાવાની દિશામાં પ્રયત્નો શરૂ કરી દીધાં છે.
આ પણ વાંચો : Navsari Crime : પહેલો સગો પાડોશી! ભાજપના પૂર્વ પ્રમુખનો બ્રધર્સ ચોકી કરતા ઝડપાયો
પોલીસ નિવેદન : PI ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, પાદરા પંથકની અંદર આજરોજ જ્વેલર્સની દુકાનમાં 4,44,000 ઉપરાંતનની તસ્કરો દ્વારા ઉઠાંતરી કરવામાં આવી હતી, પરંતુ આ ચોરીમાં આ ટોળકીએ DVR પણ ઉઠાંતરી કરી હતી. જેથી આ ચોરીનો ભેદ ઉકેલવામાં થોડી મુશ્કેલીઓ પડશે. પરંતુ હાલ તો જ્વેલર્સની ફરિયાદ સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.