વડોદરાઃ જિલ્લાના શિનોર તાલુકામાં આવેલ માલપુર ગામે એક હત્યાનો ગુનો શિનોર પોલીસે ઉકેલી લીધો છે. જેમાં પૂર્વ પતિએ જ પત્નીના બીજા પતિની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. શિનોર પોલીસે 11 દિવસમાં આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
સમગ્ર ઘટનાક્રમઃ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં માલપુર ગામે ઘનશ્યામ વસાવા અને તેની પત્ની સંગીતા રહેતા હતા. જો કે આ લગ્નજીવન સુખી સંસાર ન હતું. પત્ની સંગીતાને ગામમાં જ રહેતા 26 વર્ષીય મહેશ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સંગીતા પોતાના પ્રેમી મહેશ વસાવા સાથે ભાગી ગઈ હતી. સંગીતાએ ઘનશ્યામ વસાવાને છુટાછેડા આપ્યા વિના મહેશ સાથે પ્રેમલગ્ન કરી લેતા ઘનશ્યામ ઉશ્કેરાયો હતો. આ ઉશ્કેરાહટને લીધે ઘનશ્યામે મહેશને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું. બનાવના દિવસે ઘનશ્યામે અને તેના ભાઈ સંદીપે મહેશને બાઈક પર જતા આંતરી લીધો હતો. કારથી પહેલા બાઈકને ટક્કર મારી હતી. મહેશ રોડ પર લોહીલુહાણ થઈ ગયો હતો. મહેશને કારની અંદર લાવીને બંને ભાઈઓએ ક્રુરતાપૂર્વક મહેશને રહેંસી કાઢ્યો હતો.
પુરાવાનો નાશઃ મહેશ મૃત્યુ પામ્યો ત્યારબાદ બંને ભાઈઓએ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બંને ભાઈઓએ મહેશની મોટર બાઈક અને મૃતદેહ કારની અંદર લઈ લીધા. મહેશના મૃતદેહને નાંદોદ તાલુકાના નાવરા ગામે આશિષ પટેલના શેરડીના ખેતરમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ મોટર બાઈકની આગળ તેમજ પાછળની નંબર પ્લેટ ઉખાડી નાંખી હતી. મોટર બાઈકનો એક સાઈડ ગ્લાસ પણ કાઢી લીધો હતો. સાઈડ ગ્લાસ અને નંબર પ્લેટ માલસર પુલ પરથી નર્મદા નદીમાં નાંખી દીધા હતા. જ્યારે મોટર બાઈક રાયપુર ગામની સીમમાં બિનવારસી હાલતમાં મુકીને માલપુર પરત આવી ગયા હતા.
પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદઃ તા.30-11-2023ના રોજ મોડી રાત સુધી મહેશ ઘરે પરત ન ફરતા પત્ની સંગીતા ચિંતામાં મુકાઈ ગઈ હતી. તેણે શિનોર પોલીસ સ્ટેશનમાં પોતાના બીજા પતિ મહેશ વસાવા ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. સંગીતાએ પોતાના ભૂતકાળ અને વર્તમાન અંગે પણ પોલીસે જણાવી દીધું હતું. પોલીસે પત્નીની ફરિયાદ નોંધીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે 11 દિવસમાં આ હત્યાનો ગુનો ઉકેલી લીધો હતો. ગુનો આચરનારા ઘનશ્યામ વસાવા, તેના ભાઈ સંદીપ વસાવા અને ગુનામાં મદદગાર એવા શકીલ મરજુસા દિવાનની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
ઘનશ્યામ વસાવાની પત્નીએ પ્રેમી મહેશ વસાવા સાથે ભાગીને લગ્ન કર્યા અને ભરુચના પાણેથા ગામમાં ઘર સંસાર શરુ કર્યો હતો. તેથી પૂર્વ પતિ ઘનશ્યામ ઉશ્કેરાયો અને તેણે બે લોકોની મદદથી મહેશ વસાવાની કરપીણ હત્યા કરી દીધી. અત્યારે પોલીસે ગુનેગારોની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલ કાર કબ્જે કરી છે. આરોપીઓના રીમાન્ડ મળતા સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવશે. તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવશે...એ.આર. મહીડા(PSI, શિનોર પોલીસ સ્ટેશન, વડોદરા )