વડોદરાઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ફરી એક વાર કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈ આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ કરી લીધી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 કેસ નોંધાયા છે. અત્યારે એક્ટિવ કેસની 41 થઈ છે. હાલમાં તબીબો લોકોને અપીલ કરી રહ્યા છે કે, હાલમાં જોવા મળી રહેલા વાઈરલ ફિવર અને કોરોનાના કેસમાં સામન્ય લક્ષણો સામે લોકોએ સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે.
આ પણ વાંચોઃ Corona Cases: અમદાવાદમાં 2 સપ્તાહથી વધી રહ્યા છે કોરોનાના કેસ, 2 ડોઝ લેનારા પણ થઈ રહ્યા છે સંક્રમિત
માસ્ક વગર ફરવું ચિંતાજનકઃ તબીબો જણાવી રહ્યા છે કે, ફરી એક વાર લોકોએ કોરોના સામે રક્ષણ મેળવવા સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરવો પડશે. હાલમાં શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. આના કારણે દિવસેને દિવસે કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે એક ચિંંતાજનક બાબત છે.
લોકોએ કાળજી લેવાની જરૂર છે: આ અંગે વડોદરા મહાનગરપાલિકાની તૈયારીઓ અંગે આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડૉ. રાજેશ શાહે જણાવ્યું હતું કે, આ એક એવી બીમારી છે કે, જે સિઝનવાઈઝ ઉથલો મારે છે. કોરોના હોય, ઈન્ફ્લૂએન્ઝા હોય કે પછી H3N2 હોય. બધા જ આ હાલની ઋતુમાં સામાન્ય બિમારી છે. વડોદરામાં ગત 24 કલાકમાં 9 કેસ સામે આવ્યા છે. જેમાં હાલમાં શહેરમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 41એ પહોંચી ગઈ છે, જેમાં દાખલ દર્દીઓ હાલમાં 5 છે. આમાંથી એક વેન્ટિલેટર પર છે અને 2 પેશન્ટ ઓક્સિજન પર છે.
વીએમસીની કામગીરી: હાલમાં વડોદરા મહાનગરપાલિકાની 260થી વધુ ટીમ ઘરેઘરે જઈ સરવે કરી રહી છે. આશરે 10,00થી વધારે ઘર રોજના કવર કરવામાં આવી રહ્યા છે. સાથે જાહેર જગ્યાઓ ઉપર, નવી કન્સ્ટ્રક્શન સાઈટ સાથે અન્ય જગ્યાઓ પર ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ આપણા સીએચસી સેન્ટર પણ કાર્યરત્ છે. ઉપરાંત 34 યુએચસી પણ હાલમાં કાર્યરત્ છે. હાલમાં રોજના 2,000થી વધારે કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.
આ બાબતોનું ધ્યાન રાખવું: આ બિમારીને લઈ આરોગ્ય વિભાગ તો સક્રિય છે, પરંતુ લોકોએ ખૂબ જ જાગૃત થવાની જરૂર છે. હાલમાં આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખાસ કરી એ લોકોએ ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ. સિનિયર સિટીઝન્સ કે આપણે હોસ્પિટલમાં વિઝીટ કરીયે ત્યારે માસ્કનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. ભીડભાડવાળી જગ્યાએ પણ ખાસ માસ્કનો ઉપયોગ કરવી જોઈએ. સાથે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. તો સોશિયલ ડિસ્ટન્સ સાથે સ્વચ્છતા જાળવવી જોઈએ. જેટલી ગંદકી વધારે હશે તેટલી બીમારી વધુ ફેલાશે.
આ પણ વાંચોઃ Ahmedabad News : યુવાનોમાં હાર્ટએટેક અને H3N2 વાયરસને લઈને ચિંતા, શ્વેતપત્રો પાડ્યા બહાર
શહેરમાં હાલની સ્થિતિ: મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે, હાલમાં શહેરમા કુલ 41 દર્દી કોરોના પોઝિટિવ છે. ગત 24 કલાકમાં શહેરમાં 9 કેસ નોંધાયા હતા. હાલ સુધીમાં કોરોના કેસનો આંક 1,00,972એ પહોંચ્યો છે, જ્યાં મૃત્યુઆંક 544 થયો છે. તો અત્યાર સુધીમાં 1,00,387 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. હાલમાં શહેરમાં કવોરન્ટાઈન વ્યક્તિઓ 36 દર્દી નોંધાયા છે. હાલમાં શહેરમાં તંત્ર તમામ રીતે પહોંચી વળવા તૈયાર છે, પરંતુ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. ગઈકાલે સાંજે એક મહિલા કોરોના પોઝિટિવ હોઈ સારવાર લઈ રહી હતી. તે કોઈને જાણ કર્યા વગર સયાજી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગઈ હતી. બાદમાં આ મહિલાને શોધવા તંત્રમાં દોડધામ મચી હતી. આ જ રીતે લોકો કાળજી લેવાની જગ્યાએ બેદરકારી રાખશે. તો કોરોના ફરી માથું ઊંચકે તો નવાઈ નહીં.