વડોદરા: કોઇ પણ પરીક્ષાને પાર પાડવા માટે હિંમતની જરૂર હોય છે. એ પરિક્ષા જીવની હોય કે પછી કોઇ ધોરણની હોય બન્નેમાં એક વસ્તુ કોમન છે. તે છે જસ્બો (અડગ મનોબળ). રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાની યેશા મકવાણા એકમાત્ર એવી વિદ્યાર્થીની હતી કે,જે પ્રજ્ઞાચક્ષુ છે. તેણે પરીક્ષા લેપટોપ પર આપી હતી. પરિણામ જાહેર થતા પ્રજ્ઞાચક્ષુ કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું છે. આ દીકરીએ ધોરણ 10ની પરીક્ષામાં 85.2 ટકા મેળવી આઈ એ એસ બનવાનો ઈચ્છા વ્યક્ત કરી છે.
પ્રજ્ઞાચક્ષુ કેટેગરીમાં પ્રથમ: યેશા પ્રજ્ઞાચક્ષુ હોવાથી પરીક્ષા આપવામાં અને તે પણ લેપટોપ પર ત્યારે ખૂબ મુશ્કેલ હતી. પરંતુ શહેરની દિપક ફાઉન્ડેશન સંચાલિત સ્કૂલ અને રિસોર્સ સેન્ટરના માધ્યમથી શિક્ષણ પ્રોજેકટના ભાગ રૂપે વેબ મેમોરિયલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ પ્રથમ વાર તેને લેપટોપ પર ટ્રેનિંગ આપવામા આવી હતી. બોર્ડની પરીક્ષા પણ પ્રિન્ટને બ્રેઇલમાં કન્વર્ટ કરી તૈયારી કરી હતી. આજે રાજ્યમાં 85.2 ટકા સાથે પ્રજ્ઞાચક્ષુ કેટેગરીમાં પ્રથમ રહી છે.
" મેં પરીક્ષાનું પ્રશ્નપત્ર બ્રેઇલમાં પસંદ કર્યું હતું અને યોગ્ય સમયે મર્યાદામાં ઉતરો આપ્યા હતા. આજે મને ખૂબ જ ખુશી થઈ રહી છે. મારું સપનું આઈએએસ બનવાનું છે. હું તેને માટે અથાગ પરિશ્રમ કરીશ. સાથે જ મારા પરિવારે પણ મને ખૂબ જ સાથ આપ્યો છે. જેથી મારા માતા પિતા ને પણ હું આ પરિણામનો શ્રેય આપું છુ."--યેશા મકવાણા (પ્રજ્ઞાચક્ષુ)
ઝળહળતી સફળતા: આ અગાઉ પણ યેશા મકવાણા પ્રીમિલરી પરીક્ષામાં સારા ગુણ મેળવતી હતી. હાલમાં પણ અન્ય વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. પરંતુ યેશા એકમાત્ર વિદ્યાર્થીની છે કે જેણે પ્રથમવાર એસએસસીની પરીક્ષા લેપટોપ પર આપી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ દીકરી અનેક દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણા બની છે. આ રીતે લેપટોપ પર પરીક્ષા આપવા માટે બોર્ડની પૂર્વ મંજૂરી લેવી પડે છે. હાલમાં પણ આ સંસ્થામાં 60 થી વધુ વિદ્યાર્થીઓ કીબોર્ડ ઓરીએન્ટેશન શીખી રહ્યા છે. આમ ટેકનોલોજીના માધ્યમથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રબળ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.