- વડોદરામાં ભારત બંધની નહિવત અસર
- ખેડૂત સમર્થન કાર્યક્રમમાં પોલીસ આવી જતા ફિયાસ્કો
વડોદરા: છેલ્લા કેટલાક દિવસોથી જગતનો તાત સરકાર સામે કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરી રહ્યો છે ત્યારે ભારત બંધના એલાનને પગલે વડોદરામાં સવારથી જ પોલીસ ખડેપગે જોવા મળી હતી.
કોંગ્રેસે ટાયર સળગાવી સંતોષ માન્યો!
વહેલી સવારે કોંગ્રેસ દ્વારા ટાયરો સળગાવી તરસાલી જામ્બુવા ચોકડી પાસે બંધને સફળ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમ રાખ્યો હતો પણ કાર્યક્રમનો પોલીસ આવી જતાં ફિયાસ્કો થયો હતો. ધુમાડ ચોકડી પાસે વડોદરા જિલ્લા કોંગ્રેસે ચક્કાજામનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ,જોઈન્ટ સીપી, સહિતના અધિકારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ અને દિલીપ ભટ્ટની અટકાયત
કોંગ્રેસના માત્ર પ્રમુખ અને એક-બે કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાયા હતા. પોલીસે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ અને દિલીપ ભટ્ટની અટકાયત કરી હતી. આથી કહી શકાય કે વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ તદ્દન નિષ્ફળ ગઈ છે જેનું પરિણામ લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીઓમાં જોવા મળે છે..