વડોદરાઃ ડભોઈ-વડોદરા હાઈવે પર ભીલાપુર નજીક એક ટ્રકે એક બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક સવાર એક મહિલા અને પુરુષનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જો કે આ ગમખ્વાર અકસ્માતમાં 2 માસુમ બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. સ્થાનિકોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે વસાવા ફળિયામાં રહેતા વિક્રમ રાઠોડિયા (ઉ.વ. 24) પોતાની પત્ની આરતીબેન (ઉ.વ.20), 2 બાળકો જયા(ઉ.વ.3) અને 11 માસનો પુત્ર સાહિલ તેમજ માતા-પિતા અને બે બહેનો સહિત પરિવાર સાથે રહેતા હતા. વિક્રમ રતનપુર પાસે આવેલી ચપ્પલ બનાવતી એક કંપનીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરતો હતો. પોતાના પરિવાર સાથે વિક્રમ બાઈક ઉપર નીકળ્યા હતા. ભીલાપુરથી વણાદરા જતા જવાના માર્ગ ઉપર રેલવે ફાટક પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ ટ્રકે અડફેટે લેતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિક્રમ અને તેના પત્નીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો. જો કે આ ગમખ્વાર અકસ્માતે બંને બાળકો પરથી માતા પિતાની છત્રછાયા છીનવી લીધી છે. આ ગમખ્વાર અકસ્માતને લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને ભીલાપુર ગામે શોક છવાઈ ગયો હતો.
વારંવાર અકસ્માતઃ ડભોઈ-વડોદરા હાઈવે વચ્ચેના માર્ગ ઉપર વારંવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. સ્થાનિકો અનુસાર રોડ વિભાગ દ્વારા બે રોડ વચ્ચેના ડિવાઇડરની કામગીરી ચાલી રહી છે. જો કે કેટલાક સ્થળો ઉપર ડિવાઇડરોની પહોળાઈ વધુ છે તો કેટલાક સ્થળો ઉપર ડિવાઈડરની પહોળાઈ ઓછી રાખવામાં આવી છે જેને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વડોદરા-ડભોઈ મેઈન હાઈવે ઉપર આ પ્રકારના બે રોડ વચ્ચેના ડિવાઇડરની ડિઝાઈન કયા કારણોસર આવી રાખવામાં આવી છે તે જ મોટો પ્રશ્ન છે. વાહન ચાલકો વાહન હંકારી રહ્યા હોય છે. ત્યારે અચાનક જ બે રોડ વચ્ચેના ડિવાઈડરની પહોળાઈ ક્યાંક વધુ હોય છે તો ક્યાંક ઓછી હોય છે. જેને કારણે વાહન ચાલકો વાહન કંટ્રોલ કરી શકતા નથી અને આવા અકસ્માતમાં નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે.