વડોદરા : ડભોઇ ખાતે રાધે કોમ્પલેક્ષમાં બાલાજી ફિઝીયોથેરાપિસ્ટ નામનું ક્લિનિક ચલાવતા ડોક્ટરે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગેની ફરીયાદ પરિણીતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. લોકો ડોક્ટરને ભગવાન ગણે છે, પરંતુ આવા કૃત્યો બહાર આવે ત્યારે સમાજમાં ભારે ઠેસ પહોંચે છે. આ બનાવથી સમગ્ર ડભોઇ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
હવસખોર ડોક્ટર : આ અંગે મળતી વિગત અનુસાર છેલ્લા દોઢ વર્ષથી લકવાગ્રસ્ત દર્દીના ઘરે સારવાર આપવા માટે આ ડો. શિવાંગ મોદી જતો હતો. ત્યારે ડોક્ટરની આંખ લકવાગ્રસ્ત દર્દીની યુવાન પરિણીતા સાથે મળી ગઈ હતી. ડોક્ટરે તકનો લાભ ઉઠાવી મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. તેમજ લકવાગ્રસ્ત પતિની સારવાર અને બાળકોની દેખભાળ કરવાની પણ લાલચ આપી હતી. આમ મહિલાનાં ભોળપણનો લાભ લઈ ગર્ભવતી બનાવી દીધી હોવાની હકીકત પરિણીતાએ પોતાની ફરિયાદમાં લખાવી હતી. ડોક્ટર મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી બળાત્કાર ગુજાર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.
લગ્નની લાલચે બળાત્કાર : પરણીતાએ ડભોઇ પોલીસ મથકમાં ડોક્ટર શિવાંગ મોદી વિરુદ્ધ ફરિયાદમાં નોંધાવી છે. તે અનુસાર ડભોઇમાં શ્રી બાલાજી ફિઝિયોથેરાપી નામનું ક્લિનિક ચલાવતા ડો. શિવાંગ મધુસુદન મોદી જે ડભોઇમાં અંબિકાનગર સોસાયટીમાં પરિવાર સાથે રહી પોતાનું જીવન ગુજારે છે. આ ડો. શિવાંગ મોદીએ 01-12-2021 થી 30-5-023 દરમિયાન ડભોઇમાં રહેતા લકવાગ્રસ્ત દર્દીના ઘરે સારવાર અર્થે ઘરે જતાં હતાં. ત્યારે દર્દીની પત્નીના ભોળપણનો લાભ લઈ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
મહિલાને ગર્ભવતી બનાવી : ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ડો. શિવાંગ મોદીએ આ મહિલા સાથે અવારનવાર બળાત્કાર કરતા મહિલા ગર્ભવતી બની ગઈ હતી. મહિલા ગર્ભવતી બન્યા બાદ ડોક્ટરે મહિલાના પેટમાં રહેલા ગર્ભનો નાશ કરવા માટે ગર્ભનિરોધક ગોળીઓ આપી હતી. દરમિયાન ડોક્ટરે મહિલાને આ બાબતની કોઈને જાણ ન કરવા કે પોલીસ ફરિયાદ ન કરવા માટે કહ્યું હતું. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
ડભોઇના ફિઝીયોથેરાપિસ્ટ ડો. શિવાંગ મોદી સામે મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે વધુ તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે ડભોઇ પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. -- આર.એમ. રાઠવા (IUCAW PI)
પોલીસ ફરિયાદ : લગ્ન તેમજ પતિની સારવાર કરવાની સાથે બાળકોની દેખભાળ રાખવાની લાલચ આપીને દોઢ વર્ષના સમયગાળા દરમિયાન આરોપીએ મહિલા પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી શિવાંગ મોદી સામે પીડિત મહિલાએ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સ્ત્રી અત્યાચાર વિરોધી કાયદા હેઠળ આઈપીસી કલમ 376(2)n/313, 504 હેઠળ ગુનો દાખલ થતાં PI આર.એમ. રાઠવાએ વિસ્તૃત તપાસ હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ ડભોઇમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવમાં ડભોઇ પોલીસે હવસખોર ડો. શિવાંગ મોદીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા હવસખોર ડોક્ટરના કૃત્યથી સમગ્ર ડભોઇ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.