વડોદરા: શહેરના છાણીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે વહેલી સવારે બબાલ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યાં છે. આ મંદિરમાં તાળા બદલવા મામલે બબાલ થઈ હોવાની વિગતો સામે આવી છે. મંદિરના કોઠારી સ્વામી અને મંદિરના જૂના વહીવટકર્તાઓ વચ્ચે બબાલ થતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મંદિરનું સંચાલન વડતાલ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ બબાલમાં દિનેશ પરસોતમ વણકર નામના આધેડ વ્યક્તિનું મોત નીપજતાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. આ ગંભીર ઘટનાને લઈ છાણી પોલીસ ઘટના સ્થળે પોહચી કાર્યવાહી કરી છે.
હાલ મોત અંગે આગળની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ શુ આવે છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં મૃતક દિનેશભાઇ વણકરનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવશે. આ વિવાદ ઘણા વર્ષોનો છે, વધુમાં જણાવ્યું હતું કે રેવન્યુ વિભાગ પાસેથી પણ વિગતો મેળવવામાં આવશે. હાલમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ કરાવવામાં આવી રહી છે. અગાઉ છાણી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદાજ સાચું કારણ બહાર આવશે...ડી. જે. ચાવડા, (ACP, એ ડિવિઝન)
વિવાદિત મામલો કોર્ટમાં ગયો હતો : આ સ્વામિનારાયણ મંદિરનો મામલો અગાઉ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં કોર્ટે મંદિરના કોઠારી સ્વામીના તરફેણમાં આપ્યો ચૂકાદો આપ્યો હતો. કોઠારી બાલસ્વામી મંદિરમાં તાળા બદલવા જતાં બબાલ થઈ હોવાની હાલમાં વિગતો આવી છે. આ ઘટનામાં દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતિ પરમાર, રમેશ પરમાર અને અન્ય 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. તાળા બદલવા જતાં સમયે બબાલ થઈ હતી. નાયબ કલેકટરની કોર્ટમાં કેસમાં ચાલતાં વડતાલ મંદિરની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો. આ મંદિરમાં બબાલ કરનારા લોકોએ ગેરકાયદે કબજો જમાવ્યો છે. ત્રણ મહિના પહેલા લેન્ડ ગ્રેબીગનો કલેક્ટરમાં કેસ કરેલો છે.
આ વડતાલ સંસ્થાની જગ્યા છે, મંદિરનું સંચાલન વડતાલ સંસ્થા જ કરી રહી છે. દિનેશ મિસ્ત્રીએ જમીન પચાવી પાડવા અરજી કરી, જે અરજી નામંજૂર થઈ છે. મંદિરનો વહીવટ માટે વડતાલ સંસ્થાએ પત્ર પણ લખ્યો હતો. જેમના સમર્થનમાં પત્ર લખ્યો એ જ મંદિરમાં આરતી પૂજા અર્ચના કરી શકે છે. એક વર્ષ અગાઉ છાણી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને આજે આ ઘટના બની છે. દિનેશ મિસ્ત્રીને વહીવટ કરવો છે, મંદિરના બંધારણ મુજબ નથી રહેવું જેથી અવાર નવાર આ મંદિરમાં વિવાદો થતા રહ્યા છે...લલિતભાઈ પરમાર(વડતાલ પક્ષના સમર્થક)
પોલીસ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં : સ્વામિનારાયણ મંદિરમાં બબાલ અને આધેડના મોતની ઘટના અંગે છાણી સ્વામિનારાયણ મંદિર ખાતે એ ડિવિઝન ACP ડી જે ચાવડા દોડી આવ્યાં હતાં. જે સ્થળે સવારે ઘર્ષણ થયું હતું તે સ્થળની લીધી જાતે તપાસ કરી હતી. જમીન બાબતનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલે છે તેવું તેઓએ જણાવ્યું હતું. આ ઘટનામાં સામસામે બે પક્ષઓ દ્વારા આ બબાલ ચાલતી રહી છે. આજે અચાનક આ ઘટના બનતા છાણી પોલીસ તાત્કાલિક પહોંચી છે સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પણ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.