વડોદરા: શહેર નજીક આવેલા કરચિયા ગામમાં રૂમ પાર્ટનર બાજુના રૂમમાં રહેતા વ્યક્તિઓ પાસેથી કેમ રોટલી લાવ્યો તેમ કહી હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તો બીજા એક ચુકાદામાં બાપોદમાં સગીરાની છેડતીના ગુનામાં રિક્ષાચાલકને ત્રણ વર્ષની કેદની સજાનું ફરમાન કરવામા આવ્યું છે.
હત્યાનો ગુનો: વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નવેમ્બર 2020માં હત્યાનો ગુનો દાખલ થયો હતો. જે અનુસાર ફરિયાદી ઓમપ્રકાશ તેમજ અન્ય ચાર લોકો કરચીયા ગામમાં આવેલા ચેતનભાઇની ચાલીમાં આવેલ રૂમમાં રહેતા હતા. તેમજ મજૂરી કામ કરતા હતા. તારીખ 27 નવેમ્બર 2020ના રોજ રૂમમાં રહેતા સેતાનસિંગ રમેશસિંગ લોધી નજીક આવેલા રૂમમાંથી બે રોટલી લાવ્યો હતો.
ચપ્પુના ઘા ઝીંક્યા: જે બાબતે તારીખ 29 નવેમ્બર 2020ના રોજ આરોપી ધર્મેન્દ્રસિંગ વિન્દાવન લોધીએ સેતાનસિંગને બીજા રૂમમાં રહેતા લોકો પાસેથી કેમ રોટલી લાવ્યો તેમ કહી ઝઘડો કર્યો હતો. તેમજ ધર્મેન્દ્રસિંગે સેતાનસિંગને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેથી ઇજાગ્રસ્ત સેતાનસિંગને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
આજીવનકેદની સજા: આ મામલે આરોપી ધર્મેન્દ્રસિંગની પોલીસ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ધર્મેન્દ્રસિંગને દોષિત ઠેરવી કોર્ટે તેને આજીવન સખત કેદની સજા તેમજ રુપિયા 25 હજાર રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો છ મહિનાની વધુ કેદની સજાનો હુકમ કર્યો છે.
અન્ય એક ચુકાદો: વડોદરાના બાપોદ વિસ્તારમાં ડિસેમ્બર 2020માં સગીરા ઘરે એકલી હતી ત્યારે સ્કૂલવર્ધીના રિક્ષાચાલકે તેની શારીરિક અડપલાં કર્યા હતા. આ મામલે પોલીસે આરોપી રિક્ષાચાલક દિનેશભાઇ ભાવસારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં રિક્ષાચાલક દિનેશ ભાવસારને દોષિત ઠેરવી તેને ત્રણ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારૂ રૂપિયા દંડની અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજા ફરમાવી છે.