વડોદરા : લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે આ કહેવત આજના સમયમાં પણ એટલી જ સાચી છે. છેતરપીંડી અને ઠગાઈ કરતા લોકો પણ અલગ અગલ રીતે લોકોને છેતરતા હોય છે. ત્યારે વડોદરામાં એક ઠગે લોકોને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે છેતર્યા હતા. 8 વર્ષથી ફરાર આરોપીને આખરે વડોદરા ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
આ રીતે કરી ઠગાઈ : પોલીસની સતાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, આરોપીએ મુખ્યમંત્રી આવાસ યોજનામાં ડ્રો માં મળતા મકાન અપાવવાનું કહી છેતરપિંડી આચરી હતી. આ અંગે થયેલ ફરિયાદમાં આરોપી વિરુદ્ધ 9 લાખની રકમની ઠગાઈની ફરિયાદ નોંધાઇ હતી. લોકો છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા બાદ આરોપી ફરાર થયો હતો. છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીને વડોદરા ક્રાઇમબ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડ્યો છે.
ઠગાઈની ફરિયાદ : આરોપી ધીરેનભાઈ રોહિતભાઇ પંડ્યા જે વડોદરાની મનિષા પાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેમના વિરુદ્ધ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં મુખ્યમંત્રી આવાસ યોજના નામે ઠગાઈ કરવાનો ગુનો દાખલ હતો. ઉપરાંત આરોપી વડોદરા શહેરના જુદા-જુદા ગુનામાં સંડોવાયેલ હતો.
અમદાવાદથી ઝડપાયો : ટેકનીકલ-હ્યુમન સોર્સ આધારિત તપાસ દરમિયાન આ આરોપી અમદાવાદમાં હોવાની માહિતી મળી હતી. આરોપી હાલમાં અમદાવાદ શહેરના નિકોલ રીંગરોડ પર કંસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હોવાની માહિતી મળી હતી. ક્રાઇમબ્રાન્ચની પેરોલ ફર્લો ટીમે અમદાવાદમાં નિકોલ રીંગ રોડ વિસ્તારમાં જઈ ખાનગી તપાસ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે 8 વર્ષથી ફરાર આરોપી ધીરેન પંડ્યા (ઉ.વ 50) મળી આવ્યો હતો.
પોલીસ તપાસ : વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે અમદાવાદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ગુના સંબંધિત વધુ તપાસ માટે આરોપીને જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યો હતો. આ આરોપી છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો હોવાથી તેને અન્ય કોઈ ગુન્હા કર્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.