વડોદરા: શહેર નજીક આવેલા દશરથ ગામ પાસેના ITIમાં સિવીલ ડ્રાફટમેનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઉપર તેના ગામમાં અને ફળિયામાં રહેતા યુવાને રસ્તામાં રોકી ચાકૂથી હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થિનીએ યુવાનને વાસદ જવાનો ઇન્કાર કરતા હુમલો કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ઘટના અંગે ફરિયાદીએ છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ઘટના ક્રમ: વડોદરા નજીક આવેલા નંદેશરી પાસેના ગામમાં રહેતી 17 વર્ષિય વિદ્યાર્થિની દશરથ ગામ ખાતે આવેલા ITIમાં સિવીલ ડ્રાફટમેનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિની તેના રોજના નિત્યક્રમ મુજબ ઘરે થી નીકળી બસમાં દશરથ ITI ખાતે જવા રવાના થઈ હતી. દરમિયાન બસમાં સવાર વિધાર્થીની દશરથ ખાતે આવેલ ITIમાં જવા માટે નજીક પડતા રણોલી ચાર રસ્તા ખાતે બસ માંથી ઉતરી હતી.
સ્પષ્ટ ઇન્કાર: બસમાંથી ઉતર્યા બાદ ચાલતા ITI તરફ જઇ રહી હતી. તે દરમિયાન તેનો પીછો કરી રહેલ યુવક તેની પાસે આવી પહોંચ્યો હતો. વિદ્યાર્થિનીને વાસદ પોતાની સાથે આવવા માટે જણાવ્યું હતું. પરંતુ, વિદ્યાર્થિનીએ યુવકને તેની સાથે વાસદ જવા માટે સ્પષ્ટ ઇન્કાર કરી દેતા તે રોષે ભરાયો હતો. અને તેની સાથે લાવેલ ચાકૂથી વિદ્યાર્થીની ઉપર હુમલો કરી ફરાર થઇ ગયો હતો. યુવકે ચાકૂથી હુમલો કરતા યુવતી હાથ ઉપર ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો દિલ્હીમાં વધુ એક યુવતી બની ભોગ: બ્રેકઅપથી નારાજ પ્રેમીએ ચાકુ મારી દીધુ
સ્થાનિકો દોડી આવ્યા: જાહેર માર્ગ ઉપર યુવકે તેના ગામની અને ફળિયામાં રહેતી વિદ્યાર્થિની ઉપર ચાકૂથી હુમલો કરીને ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ યુવકના હુમલાનો ભોગ બનેલી વિદ્યાર્થીનીના હાથમાંથી લોહી નીકળતા સ્થાનિક લોકો દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને બાજવા હોસ્પિટલમાં લઇ ગયા હતા. બીજી બાજુ વિદ્યાર્થિની ઉપર ચાકૂથી હુમલો થયો હોવાની જાણ તેના પરિવારજનોને થતાં તુરત જ પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
પોલીસની પુછતાછ: આ બનાવની જાણ છાણી પોલીસને થતાં તુરતજ પોલીસ બાજવા હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. તે સાથે પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી વિદ્યાર્થિની ઉપર થયેલા હુમલાની સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવી હતી. તે સાથે પોલીસે હુમલાનો ભોગ બનેલી વિદ્યાર્થિની પૂછપરછ કરતા તેણે પોતાના ઉપર આ હુમલો ગામના યુવકે કર્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પોલીસે યુવતીની ફરિયાદના આધારે હુમલાખોર યુવક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.
તજવીજ હાથ ધરાઈ: રણોલી ચોકડી પાસે જાહેર માર્ગ ઉપર ITIની વિદ્યાર્થિની ઉપર ગામનાજ યુવાન દ્વારા હુમલો કરવાની બનેલી ઘટનાએ ITI તેમજ તેણીના ગામમાં ચકચાર જગાવી મૂકી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર થઇ ગયેલા હુમલાખોર યુવકની અટકાયત કરી લઇ ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકની ધરપકડ બાદ તેને ચોક્કસ કયા કારણોસર વિદ્યાર્થિની ઉપર હુમલો કર્યો હતો, તે અંગેની માહિતી બહાર આવશે. હુમલાખોર પણ અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.