વડોદરાઃ રાજ્યભરમાં ગયા રવિવારે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જૂનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પરીક્ષાના થોડા જ કલાક પહેલા પેપર લીક થતાં સમગ્ર રાજ્યમાં આ મુદ્દે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે ગુજરાત ATSની ટીમે કાર્યવાહી કરી હતી. તે અંતર્ગત જ ATSની ટીમે આજે વડોદરામાં દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો Rishikesh Patel : બજેટ સત્રમાં જ ગૃહમાં કાયદો લાવી પેપર લીકના ગુનાઓમાં કડક જોગવાઇ કરાશે
અમદાવાદ વડોદરાના કોચિંગ ક્લાસ સીલઃ જૂનિયર ક્લર્ક પેપર લીક કાંડના મુખ્ય સુત્રધાર ભાસ્કર ચૌધરીને સાથે રાખીને ATSની ટીમ અટલાદરા ખાતે કોચિંગ ક્લાસ પર તપાસ અર્થે પહોંચી હતી. બીજી તરફ ગઈકાલે ઝડપાયેલા 2 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં આ બંને આરોપીઓને 7 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ સાથે ગુજરાત ATSએ વડોદરામાં 2 કોચિંગ ક્લાસીસ અને અમદાવાદમાં 2 કોચિંગ ક્લાસિસની ઑફિસો સીલ કરી છે.
અત્યાર સુધીમાં 19 આરોપી ઝડપાયા: ATSએ જે આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં બિહારના 6, ગુજરાતના 8 અને ઓડિશા તેમ જ દિલ્હીના 1-1 આરોપી સામેલ છે. સાથે જ અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પેપર લીક થવાના કારણે ગત રવિવારે લેવામાં આવનારી જૂનિયર ક્લર્કની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. આના કારણે 9.53 લાખ ઉમેદવારોને અસર થઈ હતી.
આરોપીઓ પર એટીએસની નજર: ATSની ટીમે પેપર લીક કેસમાં સામેલ આરોપીઓની એક બાદ એક ધરપકડ કરી તેમની પર ચાંપતી નજર રાખી રહી છે. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નીકલ સર્વેલન્સના માધ્યમથી ટીમે આરોપી પ્રદિપ નાયક, કેતન બારોટ, ભાસ્કર ચૌધરીની પહેલા ધરપકડ કરી હતી, જેઓ વડોદરામાં પરીક્ષામાં પાસ થવા ઈચ્છતા ઉમેદવારોને જુનિયર ક્લર્કનું પેપર વેચવા માટેની ડીલ કરી રહ્યાં હતા.
આ પણ વાંચો Junior Clerk Exam Paper Leak: પેપર લીક કરનાર મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
કોલકત્તાથી વધુ 2 આરોપીઓ ઝડપાયાઃ પેપર લીક કાંડની તપાસ કરી રહેલી ATSની ટીમે કોલકત્તાથી વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમની ઓળખ નિશિકાંત સિન્હા અને સુમિત રાજપૂત તરીકે થઈ છે. બંને આરોપીઓને ATSની ટીમે વડોદરાની કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, આ બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આમ, આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 19 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ મામલે ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વધુ આરોપી હજુ આ મામલે સામે આવી શકે છે.