વડોદરા : શહેરમાં સ્પા અને કાફેની આડમાં ચાલતી દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા શહેર પોલીસ સઘન પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત અગાઉ વડોદરા પોલીસ દ્વારા શહેરના સ્પા સેન્ટરોમાં રેડ પાડવામાં આવી હતી. ત્યારે હાલમાં જ એક રહેણાંક ફ્લેટમાં કાફેની આડમાં ચાલતું કપલ બોક્સ ઝડપાયું છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં એક ફ્લેટમાં કાફેની આડમાં કપલ બોક્સ બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી. બાતમીના આધારે આ સ્થળ પર રેડ પાડી પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મેનેજરની ધરપકડ કરી અન્ય બે માલિકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
કાફેની આડમાં ગોરખધંધો : વડોદરા શહેરમાં સ્પા સેન્ટરો પર સપાટો બોલાવ્યા બાદ હવે કાફેની આડમાં ચાલતા કપલ બોક્સને ઝડપી પાડવામાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને મોટી સફળતા મળી છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ હોટલ તાજ વિવાન્તાની સામે આવેલ સપ્તગીરી ફ્લેટમાં ચાલતા કાફેના માલિકે પોતાના કાફેમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા એટલે કે કપલ બોક્સ બનાવ્યું હતું. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી.
કપલ બોક્સ ઝડપાયું : વડોદરા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને રેડ કરતા ચોક્કસ બાતમી વાળી જગ્યાએથી કપલ બોક્સ મળી આવ્યું હતું. આ કપલ બોક્સની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનો પર્દાફાશ થયો હતો. શહેર પોલીસે કાફેના વહીવટી તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે આરોપી વોન્ટેડ : વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સપ્તગીરી ફ્લેટમાં કાફે હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી હતી. જેને લઈને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ મેનેજર સોહીલ રજાકભાઈ અજમેરીને ઝડપી પાડ્યો હતો. તેમજ કાફેના માલિક નિલોફર શેખ અને ભાગીદાર મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. આ બાબતે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં 188 અને 144 કલમ મુજબની ફરિયાદ દાખલ કરીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી આરંભી દીધી છે. આ સમગ્ર મામલે વડોદરા શહેરમાં ગેરરીતિઓ કરતા ઈસમોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. કેટલીક વાર આ વેપાર-ધંધામાં નિર્દોષ વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.