વડોદરા: શહેરમાં અવાર નવાર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ હવે સુરત બાદ વડોદરામાં પણ કોર્ટરૂમ બહાર ફરીયાદી ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ફરિયાદી દ્વારા ચેક રિટર્ન કેસમાં ચાલી રહેલ મુદતમાં હાજર હતા. તે દરમ્યાન ફરિયાદી અને તેઓના મિત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો શહેરા નામચિન અને માથાભારે શફી ફ્રુટવાલા અને તેના જમાઇ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આખરે સસરા અને જમાઇની ગોત્રી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ: શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા રાફીયા પાર્કમાં રહેતા નિઝામુદ્દીન ખુરશીદ અહેમદ ચિસ્તીએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ નોંધાવેલી ફરીયાદ અનુસાર તેઓ તાંદલજા ખાતે તેમના પરિવાર સાથે રહેતા હતા. આ સમયે ધંધા અર્થે વાસણા તાંદલા ખાતે રહેતા અબ્દુલ રહેમાન શેખ ઉર્ફે શફી ફ્રુટવાલાની સાથે મુલાકાત થઇ હતી અને કન્સ્ટ્રકશનનુ કામ કરતા તેઓના ધંધામાં રૂપિયા 1.50 કરોડનુ રોકાણ કર્યું હતુ. જેની સામે શફી ફ્રુટવાલાએ ચેક પણ આપ્યાં હતા. જોકે આ ચેક બાઉન્સ ગયા અને શફી ફ્રુટવાલાએ રૂપિયા પણ પરત ન આપતા આખરે કોર્ટમાં 138 મુજબનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મારી નાખવાની ધમકી આપી: 8 ઓગષ્ટે કોર્ટમાં શફી ફ્રુટવાલા વિરૂદ્ધ કરવામાં આવેલા કેસની મુદત હોવાથી ખુરશીદ ચિસ્તી તેમના મિત્ર હૈદરખાન પઠાણ સાથે કોર્ટ રૂમ નં-ડી-30 પાસે બપોરના 12 વાગ્યાની આસપાસ હાજર હતા. તેવામાં શફી તેમજ તેના જમાઇ સુફીયાન શેખ તેમના સામે સુફીયાને હાથમાં લોખંડનો પંચ પહેરી મોઢાના અને માથા ભાગે મુક્કા માર્યા હતા. જેથી લોહી લુહાણમાં હાલતમાં તેઓ નિચે ઢળી પડ્યાં હતા. અને તમને જીવતા નહીં રહેવા દઉ કહીં ફરી મોઢા પર પંચ માર્યો હતો.
બન્નેની ધરપકડ કરવામાં આવી: આ દરમિયાન કોર્ટ પરિસરમાં લોકોની ભીડ એકઠી થતાં શફી ફ્રુટવાલા અને તેનો જમાઇ સુફીયાન બન્ને ફરાર થઇ ગયા હતા. તેવામાં આ મામલે ગોત્રી પોલીસે સસરા અને જમાઇ સામે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલોસે (1) સફી અબ્દુલ રહેમાન શેખ ઉર્ફે ફૂટવાળાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પણ ફરિયાદો નોંધાઈ: ગતરોજ કોર્ટ પરિસરમાં થયેલાહુમલા બાદ હૈદરના ભાઈની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં શફીના પુત્ર સરફરાજને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાયું હતું. બીજી તરફ મોડી રાત્રે શફીના પરિવારજનો પોલીસ મથકમાં ફરિયાદ કરવા દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત આ સંદર્ભે કોઈ કાર્યવાહી થઈ નથી. મુસ્લિમ બિલ્ડરોમાં મોટું નામ ધરાવતો શફી ફ્રૂટવાલા નોટબંધી સમયથી ચર્ચામાં આવ્યો હતો. અગાઉ સિટી પોલીસ સ્ટેશન અને જેપી પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ફરિયાદો થઈ હતી અને કેટલીક સ્કીમો પણ અગાઉ વિવાદોમાં આવી ચૂકી છે.