વડોદરાઃ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે શિનોર નગરની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ સાથે નગરનું નિરીક્ષણ કરી લોકોને કોરોના સામે સુરક્ષિત રહેવા તકેદારીઓનું કડક પાલન કરવાનો સંદેશ આપ્યો હતો. જિલ્લા કલેકટરે આ વિસ્તારના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજીને કોવીડ અને આરોગ્ય ઉપરાંત વિવિધ બાબતોની ઉંડાણપૂર્વક સમીક્ષા કરી હતી.
તેમણે સાધલી અને અન્ય ગામોમાં નોંધાયેલા 5 કોરોના પોઝિટિવ કેસના અનુસંધાને લેવામાં આવેલા તકેદારીના પગલાં સહિત આરોગ્યની પરિસ્થિતિ, ખેડૂતો, દૂધ મંડળીઓ અને એપીએમસી વિષયક બાબતો, પાણી પુરવઠાની પરિસ્થિતિ, પુરવઠા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ, પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં મોકલવા માટેની સંકલિત કાર્યવાહી જેવી બાબતોની સધન સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી મૈત્રિદેવી, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા અને વિવિધ જાણકારી પૂરી પાડી હતી.