ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ ચાણસદ ગામની 20 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ હતી. તારીખ 14 ડિસેમ્બરના રોજ ચાણસદ ગામના હજીરા તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતાં પંથક શોકનો માહોલ સર્જાયો હતો.
આરોપીઓએ યુવતીના કપાળ અને ગળા તથા બોચીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ક્રૂરતાપૂર્વક રહેંસી નાંખી હતી. તેમજ તેના હાથ પગ દોરડા અને દુપટ્ટા વડે બાંધી તેનો મૃતદેહ ગોદડું અને પ્લાસ્ટિકમાં વિંટાળી લાકડા સાથે બાંધી તળાવમાં નાંખી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે બીજી તરફ ગ્રામ પંચાયતે હત્યારાની જાણકારી આપનારને 2.5 લાખ ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
આ કેસની પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે, "હત્યા કેસના આરોપીના સગડ મળ્યાં હતા. પરંતુ કેટલાંક પુરાવાઓ પણ એકઠાં કરવાના બાકી પડતાં હતાં. ત્યારે તા. 17 ડિસેમ્બરે રાત્રે સ્વામિનારાયણ મંદિરમાં ડીવીઆરની થયેલી ચોરીના CCTV ફૂટેજ આ કેસમાં મહત્વની કડી સાબિત થઈ હતી. આ ફૂટેજના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી."
પોલીસના જણાવ્યાં અનુસાર, આરોપી જય વ્યાસ ચાણસદમાં રહે છે અને ITIમાં અભ્યાસ કરતો હતો. તે અને મૃતક યુવતી એક જ સમાજના હોવાથી તેમની વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો. ધર્મની બહેન પાસે જય રાખડી પણ બંધાવતો હતો. જો કે, આરોપીએ ભાઈ-બહેનના સંબંધનો લાભ લઈ યુવતીને પોતાના વશમાં કરવાનો મનસૂબો રાખતો હતો. જયે ગત તા. 11 ડિસેમ્બરના રોજ બપોરના સાડા બારના અરસામાં દાદીને આંગણવાડીમાં મુકી આવી, યુવતીને ચોપડીના પુઠ્ઠા ચઢાવવાના બહાને ઘરે બોલાવી હતી.
યુવતીના ઘરે આવતાં જ તેણે યુવતીનું શારિરીક શોષણ કરવાની કોશિશ કરી હતી. તે દરમિયાન યુવતીએ પ્રતિકાર કરતા બૂમો પાડી હતી, ત્યારે ઝનૂની સ્વભાવના જયે ઘરમાં પડેલી હથોડી વડે યુવતીના માથામાં હુમલો કર્યો હતો. ગભરાઈ ગયેલી યુવતી દોડીને ઉપરના માળે દોડી હતી અને ત્રીજા માળે આવેલા રૂમના બાથરૂમમાં પુરાઈ ગઈ હતી. ત્યારે જયના બળ પ્રયગોથી બાથરૂમની હેન્ડલ તોડી યુવતી પર કુહાડીથી ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. જેમાં તેનું દર્દનાક મોત થયું હતું.
આ ઘટના બાદ જયે પોતાનો ગુનો છુપાવવા જયે ગોદડી અને પ્લાસ્ટિકના ટાંટીયામાં વિંટાળીને મૃતદેહને ગામના તળાવમાં ફેંકી દીધો હતો. સાથે હથોડી, કુહાડી, યુવતીનો મોબાઈલ ફોન અને ચંપલ પણ તળાવમાં ફેંકી દીધા હતાં. આ વાતની જાણ જયના માતા પિતાને થતાં તેમણે જયને પોલીસ સમક્ષ લઈ જવાને બદલે તેને પુરાવા નષ્ટ કરવામાં મદદ કરી હતી. જેથી પોલીસે હત્યારા જય અને ગુના છુપાવવામાં મદદ કરનાર તેના માતાપિતાની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.