વડોદરા: યુએસના કોન્સ્યુલેટ જનરલ માઈકલ હેન્કી વડોદરા મહાનગરપાલિકાની આજે મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં અમેરિકા અભ્યાસ માટે જઇ રહેલા વિદ્યાર્થીઓ, ઉપરાંત વર્ક અને મેડિકલ વિઝાને 2023ના વર્ષમાં અમેરિકન એમ્બેસી પ્રાથમિકતા આપનાર હોવાનો મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ અમેરીકા માઇક હેન્કીએ સંકેત આપ્યો હતો.
આ વાતઃ કહી કોવિડના કારણે રહેલા ભારે બેકલોગના મુદ્દે પણ તેઓએ છણાવટ કરીને લગભગ વિઝીટર વિઝા સહિત દરેક શ્રેણીમાં પ્રક્રિયા સરળ બનાવવા માટેના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતુ. આ મુલાકાત સાથે તેમણે પોતાનો પણ એક આનંદ વ્યક્ત કર્યો હતો.
વિઝા પ્રક્રિયા માટે કામગીરી: અમેરિકન એમ્બેસીએ ગત વર્ષ દરમિયાન 1.25 લાખ કરતાં વધુ ભારતીય વિદ્યાર્થીઓની વિઝા પ્રક્રિયા કરી હતી. વિઝા માટે વેઇટિંગ પિરયડ 1 હજાર દિવસનો હતો. તેને ઘડાડીને અમે 500 દિવસ સુધી લઇ આવ્યા છે. તેમાં પણ ઘટાડો કરવા માટે અમે સતત પ્રયત્ન ચાલુ રાખ્યા છે. જેના માટે વોશિંગ્ટન ખાતેના અમારા અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.
ખાસ વ્યવસ્થાઃ વિઝાના રિન્યુઅલ માટે ડ્રોપબોક્સની પણ અરજદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. મુંબઇ ખાતે વધુ સ્ટાફની વ્યવસ્થા કરવાનું આયોજન છે. મુંબઇ એમ્બેસીમાં હાલમાં 42 વિન્ડો છે. આગામી દિવસોમાં હૈદ્રાબાદ ખાતે પણ એમ્બેસીમાં 53 વિન્ડો સાથે એમ્બેસી શરૂ કરવામાં આવનાર છે. જેનો સીધો ફાયદો વડોદરા સહિત અનેક એવા ભારતીયોને થઈ રહેશે.
અધિકારીઓ સાથે બેઠક કરી: મુંબઇ ખાતે કોન્સુલેટ જનરલ તરીકે નિયુક્ત થયા બાદ વડોદરામાં પ્રથમ મુલાકાતે આવેલા માઇકલ હેન્કીએ વડોદરા આવતાં પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ મુલાકાત લીધી હતી. વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. વડોદરની લક્ષ્ય સંસ્થાની મુલાકાત લઇને તેના હોદ્દેદારોની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
મોટી ચર્ચા કરીઃ આ ઉપરાંત વડોદરાના મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની સહિત અધિકારીઓની સાથે બેઠક કરીને વડોદરાના ઐતિહાસિક વારસો, પર્યાવણની જાળવણી, આવકના સ્ત્રોત, મ્યુનિ. બોન્ડ, ઔદ્યોગિક અને વાણિજ્ય તેમજ ભવિષ્યના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરી હતી. જોકે, આ મુલાકાતમાં એમને ત્યાંની સિસ્ટમ અંગે પણ ચર્ચા કરાઈ હતી.
પ્રતિભાવ: સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ તેમણે પ્રતિભાવ આપતાં જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને મને આનંદ થયો, સરદાર પટેલ સાહેબ સાચા અર્થમાં હીરો છે. નાતિ-જાતી અને ધર્મના ભેદભાવ વિના સમગ્ર ભારતને એક બાંધનાર સરદાર સાહેબને મારા વંદન. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતની લોકશાહી અને ઇતિહાસને જાણવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે.