વડોદરા: શહેરમાં દિવસે દિવસે બ્રાન્ડેડ કંપનીના નામે અઢળક વસ્તુઓનું વેચાણ ચાલી રહ્યું છે. ત્યારે શહેરમાં ડુપ્લિકેટ પર્સ અને વોલેટનું વેચાણ કરતા બે વેપારી સામે વાડી પોલીસે ફરિયાદ નોંધી બન્ને વેપારીઓને દબોચી લીધા હતા. તેમજ તેઓ પાસેથી 37 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બંને વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.
"બ્રાન્ડના નામે ડુપ્લિકેટ પર્સ અને વોલેટ વેચતા બે વેપારી સામે ગુનો નોંધી તેઓ પાસેથી 37 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને વેપારીની ધરપકડ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે."-- એ.બી.મોરી (વડોદરા વાડી પોલીસ સ્ટેશનના પીઆઇ)
ગોથવાણી સામે ગુનો નોંધવામાં આવ્યો: છેલ્લા કેટલાક સમયથી ડુબલીકેટ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની ફરિયાદ સામે આવી છે. ત્યારે વડોદરા શહેરના સુલતાનપુરા વિસ્તારમાં કવિતા સ્ટોરના વેપારી ચેતન મનવરલાલ ગોથવાણી ડુપ્લિકેટ પર્સ અને વોલેટ વેચતા હતા. જેની જાણ થતાં વાડી પોલીસની ટીમે રેડ કરી હતી. ચેતન મનવરલાલ ગોથવાણી પાસેથી 9.45 લાખની કિંમતના 27 પર્સ અને વોલેટ જપ્ત કર્યાં તેમજ ચેતન મનવરલાલ ગોથવાણી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
79 પર્સ અને વોલેટ જપ્ત: બીજી તરફ વડોદરામાં જી.એમ. પર્સ નામની દુકાનના વેપારી ગુલામમોહયુદિન અબ્દુલ્લાહભાઇ કાપડવાલા SABYASACHI BRANDS ના નામે ડુપ્લિકેટ પર્સ અને વોલેટ વેચતા હતા. જેની જાણ થતાં વાડી પોલીસની ટીમે રેડ કરી હતી. ગુલામમોહયુદિન અબ્દુલ્લાહભાઇ કાપડવાલા પાસેથી 27.65 લાખની કિંમતના 79 પર્સ અને વોલેટ જપ્ત કર્યા હતા. ગુલામમોહયુદિન અબ્દુલ્લાહભાઇ કાપડવાલા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
લાલ આંખ કરી કાર્યવાહી આરંભી: વાડી પોલીસે ડુબલીકેટ પર્સ વોલેટનું વેચાણ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી કાર્યવાહી આરંભી હતી. પોલીસે બંને વેપારી પાસે બ્રાન્ડની પરમિશન લેટર અને સર્ટિફિકેટ માંગ્યા હતા. જોકે, બંને પાસે કોઈ પુરાવા નહોતા. જેથી વાડી પોલીસે બંને વેપારીને ત્યાંથી 37 લાખ ઉપરાંત કિંમતના 106 પર્સ અને વોલેટ જપ્ત કર્યાં છે. જેથી સમગ્ર વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. શહેરમાં ચાલતી ચર્ચા મુજબ કેટલાક નામચીન વિસ્તારમાં પણ બ્રાન્ડેડ લેબલ લગાવી ઘણી બધી વસ્તુઓનું શહેરમાં વેચાણ ચાલી રહ્યું છે. જો પોલીસ તંત્ર આ જ રીતે સજાગ બનીને બીજી અન્ય વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથધરે તો મોટી માત્રામાં પડદાફાશ થાય તો કોઈ નવાઈ નહીં. નજીકના સમયમાં તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે. ગ્રાહકોને છેતરાઓનો ભય રહે નહીં.