- ઉંડેરા ગામ ખાતે ખુલ્લી વરસાદી કાંસમાં થ્રી વ્હીલ ટેમ્પો ખાબક્યો
- મહિલા સામાજીક કાર્યકરે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો
- પ્રોટેક્શન દીવાલ બનાવવા માગ કરી
વડોદરાઃ શહેરમાં સમાવેશ કરવામાં આવેલા અને વોર્ડ નંબર 9 માં સમાવિષ્ટ એવા ઉંડેરા ગામમાંથી વિશાળ વરસાદી પાણીનો કાંસ જે બાજવા તળાવ થઈને ઉંડેરા તળાવમાં આવે છે અને અહીંથી પાદરા તરફ વહે છે. આ કાંસ ઊંડેરા પીપળાવડા ફળિયા તરફ જતા રસ્તાની લગોલગ આવેલો હોઈ આ વરસાદી પાણીના ખુલ્લી કાંસ ખુલ્લી ગટરમાં કેટલીય વખત સ્કૂલના બાળકો, રાહદારી તેમજ અસંખ્ય ગ્રામજનો અકસ્માતે આ ખુલ્લા કાંસમાં પડવાથી ઈઝાગ્રસ્ત થયા હતા, ત્યારે હાલ એક ટેમ્પો આ કાંસમાં ખાબકતા ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.
![વડોદરાના ઉંડેરા ગામમાં વરસાદી કાંસમાં ટેમ્પો ખાબક્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11003879_vadodraa.jpg)
ખુલ્લા કાંસને કવર કરવામાં આવે અથવા તાત્કાલિક રોડ બનાવવાની માગ
આ સંદર્ભ સામાજિક કાર્યકર જોગેશ્વરી મહારાઉલે જણાવ્યું હતું કે, ઊંડેરા ગામનો હાલમાં જ વડોદરા શહેરમાં સમાવેશ થતા હવે આ વિસ્તારની પ્રાથમિક સુવિધાની તમામ જવાબદારી વડોદરા મહાનગર સેવા સદનના હસ્તક હોઈ કોર્પોરેશનના અધિકારીને આ અકસ્માતના ફોટોઝ તેમજ વીડિયો દ્વારા એ જણાવવાનું કે, આ ખુલ્લા કાંસને કવર કરવામાં આવે અથવા હંગામી ધોરણે તાત્કાલિક રોડ અને કાંસની વચ્ચે પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવે. જેથી આવા અકસ્માત નિવારી શકાઈ.
![જોગેશ્વરી મહારાઉલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-undera-aksmat-avb-gj10042_13032021152854_1303f_1615629534_58.jpg)
આ કાંસમાં બારે માસ ગંદુ પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ખૂબજ ઉપદ્રવ
વધુમાં જણાવ્યું કે, આ કાંસમાં બારે માસ ગંદુ પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો પણ ખૂબજ ઉપદ્રવ હોય આ વિસ્તારમાં ઘરે-ઘરે લોકો બીમારીઓમાં પટકાયેલા રહે છે. જેથી આ કાંસને સત્તાધીશો સત્વરે યોગ્ય ટેકનિકલ એડવાઇસ મુજબ બનાવી આવા ગંભીર અકસ્માતોને નિવારી શકાય છે. આ ઉપરાંત ઊંડેરા ગામમાં ગટર તેમજ રસ્તાની ખુબ જ સમસ્યા હોય તેને બનાવવા જરૂરી છે. હવે જ્યારે ચૂંટણી પણ પૂરી થઈ અને નવા પદાધિકારીની નિમણૂક પણ થઈ ગઈ હોય ત્યારે અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને લોકોની પ્રાથમીક સુખાકારી માટેની ફરજ પૂરી કરવાના કામમાં લાગી જાય.
![વડોદરાના ઉંડેરા ગામમાં વરસાદી કાંસમાં ટેમ્પો ખાબક્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-undera-aksmat-avb-gj10042_13032021152854_1303f_1615629534_77.jpg)
કોર્પોરેશનના કર્મચારીઓને પણ દંડ તેમજ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થઈ જોઈએઃ સામાજિક કાર્યકર
આ બાબતે સામાજિક કાર્યકર જોગેશ્વરી મહારાઉલએ વધુમાં જણાવ્યું કે, કોર્પોરેશનના અધિકારીઓ વડોદરાની જનતાની સમસ્યાનું નિરાકરણ યોગ્ય સમયમાં પૂરું નથી કરતા જેથી સિટીઝન ચાર્ટર્ડની જેમ સમય પર સેવાના આપી શકનારા પ્રજાના કરના રૂપિયાનો પગાર લેતા સેવક-નોકર કોર્પોરેશનના કર્મચારીઓને પણ દંડ તેમજ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થાય તો વડોદરાની જનતાને સારી સુવિધા મળશે.