- વડોદરા યુવક કોંગ્રેસે બેરોજગાર હુંકાર રેલી યોજી
- પ્રભારી-સહ પ્રભારી પણ રેલીમાં જોડાયા
- સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
વડોદરાઃ શહેર યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા બેરોજગાર હુંકાર રેલીમાં કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં જોડ્યા હતા અને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા.

ચૂંટણી આવતા પુનઃ બેરોજગારીના મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વડોદરામાં ચૂંટણીનો ગરમાવો આવ્યો છે. તમામ પક્ષો સક્રિય બન્યા છે અને જન સંપર્ક સાધી રહ્યાં છે. એવામાં વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા લકડીપુલ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પ્રભારી હેમંત ઓગલેજી અને સહ પ્રભારી મોહંમદ શાહીદજીની આગેવાનીમાં બેરોજગાર હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ કાર્યકર્તાઓ હુંકાર રેલીમાં જોડાયા
જેમાં યુવક કોંગ્રેસ પ્રમુખ અસફાક મલેક સહિત તમામ કાર્યકર્તાઓ હુંકાર રેલીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વધતી જતી બેરોજગારી મામલે શહેર યુવા કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. વર્ષ 2018 માં ભારતમાં બેરોજગારી 45 વર્ષના સૌથી વધુ સ્તરે પહોંચી ગઈ હતી અને કોરોના તથા લોકડાઉન બાદ બેરોજગારીની માત્રા ખૂબ વધી ગઈ છે. CMIના રિપોર્ટ મુજબ જાન્યુઆરી 2020 માં બેરોજગારી 7.22 ટકા વધીને જાન્યુઆરી 2021માં 10 ટકા થઈ ગઈ છે. બેરોજગારી ઘટાડવા સરકાર યુવાનોને આપેલા વચનોનું પાલન કરે તેવી માગ કરવામાં આવી હતી.