વડોદરાઃ શિનોર તાલુકાના બરકાલ ગામના ખેડૂતના કેળના ખેતરમાં એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઈરાદા પૂર્વક ટ્રેક્ટર વડે કેળના એક 50 છોડ ઉખેડવામાં આવતાં ખેડૂત દ્વારા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી છે.
શિનોર તાલુકાના બરકાલ ગામે એક આશ્ચર્યજનક ઘટના બની હતી. પ્રમિત કુમાર ભોગીલાલ નામના ખેડૂતે પોતાના ખેતરમાં કેળનું વાવેતર કર્યું હતું. પરંતુ આ ખેતરના માલિકના પુત્ર જીતેન્દ્ર કંચનભાઈ પટેલે તેમના મીની ટ્રેક્ટર વડે પ્રમિત કુમારના ખેતરના શેઢા નજીક કેળના છોડને તોડી પાડી ટ્રેક્ટર લઈને ગેરકાયદેસર રીતે પસાર થઈ કેળના 50 છોડ ટ્રેક્ટર વડે કાઢી નાખ્યા હતા.
જેને લઈ ઈરાદા પૂર્વક નુકસાન કર્યું હોવાનું જણાઈ આવતા આ અંગે શિનોર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી શિનોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને નુકસાન પહોંચાડનારા જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ એન.સી દાખલ કરી હતી. ખેડૂત દ્વારા 50 છોડ તૈયાર કરવામાં 3500 રૂપિયાનો ખર્ચ એન.સી માં દર્શાવતાં ખેડૂતે નારાજગી વ્યક્ત કરી હતી અને શિનોર પોલીસ સબ ઇન્સપેક્ટર જે.કે બાવીસ્કરને નુકસાન પહોંચાડનારા જીતેન્દ્ર પટેલ સામે F.I.R નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ થયેલા નુકસાનનું વળતર મળે એવી માગ કરી છે.