એસ.એસ.જી હોસ્પિટલમાં ઘૂંટણ અને થાપાની સર્જરીમાં નિપૂણતા ધરાવતા અને ખ્યાતનામ ડૉ. હેમંત માથુર વર્ષ 2018થી નવેમ્બર 2019 સુધીમાં ઘૂંટણ અને થાપાની કુલ 599 સર્જરી સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. ડૉ. હેમંત માથુર માનવીય અભિગમ દાખવી કોઈ જરૂરિયાતમંદ પાસે મા-કાર્ડ કે આયુષમાન ભારત યોજનાનું કાર્ડ ન હોય તો પોતે અંગત રસ દાખવીને રોગી કલ્યાણ સમિતિના ભંડોળમાંથી નિ:શુલ્ક સારવાર કરાવવા વ્યવસ્થા કરાવી આપે છે.
સરકારી મેડિકલ કોલેજના ઓર્થોપેડિક ડિપાર્ડમેન્ટના વડા અને પ્રોફેસર ડૉ. હેમંત માથુરના એસ.એસ.જી. હોસ્પિટલમાં ખાસ કરીને હીપ અને ની સર્જરીમાં તેમની નિપુણતા અને ખ્યાતિ એટલી છે કે, અમેરિકા, સ્વીડન સહિતના દેશમાંથી અને દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાંથી દર્દીઓ આવે છે. તેમજ તેઓની પાસે સર્જરી કરતા રિવિજન સર્જરી માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. જેમાં રિવિજન સર્જરી એટલે એકવાર સર્જરી કરવા છતાં તેમાં ઉણપ રહી ગયેલી હોય તેવી સર્જરી, જેને તેઓ ઠીક કરી આપે છે. તેઓની નિપુણતા એવી કે, માત્ર 20થી 25 મિનિટમાં સર્જરી કરી ઓપરેશન થિયેટરની બહાર આવી જાય જે તેમના વર્ષોના અનુભવ પરથી થયું છે.
આ વર્ષે 599 જેટલી હીપ અને ની સર્જરી કરી છે. ઉપરાંત હાડકા સંબંધિત કેટલીક સર્જરી-ઓપરેશન સફળતાપૂર્વક કર્યાં છે અને ગણતરીના દિવસોમાં જ દર્દીઓને ચાલવામાં પણ સફળતા મળી જાય છે.
ડૉ. હિમાંશુ માથુર ઘૂંટણના દુખાવા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જીવનશૈલી એવી છે કે, ઉભા પગે રહેવાનુ અને પગને વાળીની બેસવાનું વધુ રહેતુ હોય છે. જેથી પશ્વિમના દેશોની સરખામણીમાં ઘૂંટણનો ઘસારો વધુ થતો હોય છે અને આજે મોટી ઉંમરના લોકોમાં ઘૂંટણનો દુખાવો સામાન્ય થઈ ગયો છે.
રાજ્ય સરકાર આ સર્જરી માટે 40 હજારની સહાય આપતી હતી. પરંતુ, ઘૂંટણ અને થાપાનું ઓપરેશન બહુ ખર્ચાળ હોવાથી સરકારે હવે મા અમૃત્તમ યોજના અને આયુષ્માન ભારત યોજના એક સાથે જોડી દીધી છે. જેથી હવે હીપ અને ની સર્જરીની સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવે છે. ઉપરાંત રાજ્ય સરકાર ઇમપ્લાન્ટ માટે અલગ ગ્રાન્ટ આપે છે અને ફ્રેક્ચર માટે પ્લેટ, રોડ જેવી સાધન સામગ્રી પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
સામાન્ય રીતે ઘૂંટણ અને થાપાની ખર્ચાળ સર્જરીમાં 1.50થી 2 લાખ રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. જે ગરીબ મધ્યમ વર્ગને પરવડે નહિં, ત્યારે મા અમૃત્તમ અને આયુષ્માન ભારત યોજનાના માધ્યમથી વિનામુલ્યે સારવાર મળી રહે છે. જે ખરેખર સામાન્ય લોકો માટે આશીર્વાદ સમાન છે.