- ડભોઈના હીરાભાગોળનું પાલિકા હસ્તકના મેદાનની દૈનિય હાલત
- 2 વર્ષ પૂર્વે નર્મદા મહોત્સવની ઉજવણી અંતર્ગત બનાવાયેલા હેલિપેડ યથાવત
- મેદાન સરખું કરવા ક્રિકેટ પ્રેમીઓની માગ
વડોદરાઃ ડભોઇ નગરના ક્રિકેટ પ્રેમીઓ માટે ક્રિકેટ રમવા માટે વર્ષો પૂર્વે ડભોઇના હીરાભાગોળ બહાર પાલિકાના મેદાન ખાતે ક્રિકેટ સ્ટેડિયમ અને સુંદર મેદાન બનવામાં આવ્યું હતું. જેની પાલીકા તંત્ર દ્વારા સારસંભાળ નહીં લેવાતાં હાલ મેદાન બંજર હાલતમાં આવી ગયું છે. 2 વર્ષ પૂર્વે ડભોઇ ખાતે યોજાએલા નર્મદા મહોત્સવની ઉજવણી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો કાર્યક્રમમાં આવાના હોવાથી આ મેદાન ખાતે 6 જેટલા હેલીપેડ બનવામાં આવ્યા હતા.
મેદાનનો હોલ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો
જે સમય જતાં આજદિન સુધી હટાવામાં નહીં આવતાં ક્રિકેટ રમવા આવતા ક્રિકેટ પ્રેમીઓનો માથાનો દુખાવો બનીને રહી ગયા છે. જ્યારે ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ષક ગેલેરીના છાપરા ઊડી ગયા છે અને હોલની પણ બિસ્માર હાલત બની છે. ઉપરાંત આ હોલમાં અસામાજીક તત્વોનું સામ્રાજ્ય વ્યાપ્યું છે. જેને કારણે ડભોઇ ખાતેના ઉભરતાં ક્રિકેટરો અને ક્રિકેટના રસિકો પાસેથી તેમનું મેદાન છીનવી લેવામાં આવ્યું હોવાનો અહેસાસ કરી રહ્યા છે.
હેલીપેડ હટાવી મેદાન સરખું કરવા માગ
જ્યારે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ક્રિકેટ રમી શકાય તે માટે જાતે જ મહેનત કરી પિચ તૈયાર કરવામાં આવી છે અને દર રવિવારે અહીં ડભોઇ નગરના સંખ્યાબંધ યુવકો ક્રિકેટ રમી આનંદ માણતા હોય છે. ત્યારે,વહેલી તકે આ ક્રિકેટ સ્ટેડિયમ પુનઃ ધમધમતું થાય અને હેલીપેડ હટાવી ત્યાં સુંદર પિચ બનાવી આપવામાં આવે તેવી ક્રિકેટ પ્રેમીઓએ માગ કરી છે.