વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નિમેટા ફિલ્ટર પ્લાન્ટથી સ્વચ્છ પાણી લોકો સુધી પહોંચતું થયું છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો સુધી આ સહાય પહોંચી નથી. જેમાં મુખ્યત્વે શહેપરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં હાલ પણ દૂષિત પાણી આવી રહ્યું છે. પાણીની ટાંકીમાં માટી આવવા ઉપરાંત પાણી ડહોળું આવવાની ફરિયાદો સામે આવી છે. જેના પગલે તાત્કાલિક ધોરણે પાણીના સેમ્પલો લેવાનું શરૂ કરી દેવાયું છે. ચાર ટાંકી અંતર્ગત આવતી વિવિધ સોસાયટીઓમાંથી કુલ 400 જેટલા સેમ્પલ લેવાયા છે. જેમાં કેટલાય સ્થળો પર ડહોળાશની માત્રા વધારે હોવાનું જણાયું છે.
આ દૂષિત પાણીના કારણે શહેરજનોના આરોગ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. સામાન્ય રીતે પાણીમાં ડહોળાશનું પ્રમાણ પાંચ એનટીયુ ( નેફલો મેટ્રિક ટર્બિડિટી યુનિટ ) હોવું જોઇએ, પરંતુ અહીં 6 અને 7 એનટીયુ જેટલું જોવા મળે છે. કપુરાઇ ટાંકી હેઠળના તીર્થ, ધનલક્ષ્મી, ભાથીજી મહોલ્લા હાઇવે રોડ સુધી ૫.૭ થી ૬.૨ સુધી ડહોળાશ મળી હતી. આ સ્થિતિને સુધારવા મટે કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ કરવાની તૈયારીઓ આરંભી છે, પરંતુ તેનાથી પાણીજન્ય રોગોમાં સુધાર થશે કે કેમ તે તો સમય આવતા જ જોવા મળશે.