- લતીપુરા ગામે ખેતરમાં લૂંટનો બનાવ
- મહિલાને ચપ્પુની અણીએ ધમકાવીને સોનાના દાગીના અને રોકડ ની લૂંટ ચલાવી ત્રણ લૂંટારાઓ ફરાર
- પોલીસે ડોગસ્કવોર્ડની મદદથી કાર્યવાહી શરૂ કરી
વડોદરાઃ પાદરા તાલુકાના લતીપુરા ગામે ખેતરમાં ધસી આવેલા અજાણ્યા ઈસમોએ મહિલાને બાનમાં લઈ ચપ્પુની અણીએ મહિલાને ધમકાવી દાગીના -રોકડ મળી 88,500 ની માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જેેને લઇને પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. મહિલાને લૂંટારૂઓ રૂમમાં ગળું દબાવી ગોંધી રાખતાં મહિલાને ઈજા પહોંચી હતી.
પોલીસની ટીમએ તપાસ શરૂ કરી
પાદરા તાલુકાના લતીપુરા રોડ પર આવેલા ગીતાજંલી સ્કૂલની સામે આવેલા ખેતરમાં રહેતા હેમાબેન ચેતનભાઈ પટેલ તેઓ સાંજના સમયે ખેતરમાં આવેલા તેઓના ઘરમાં એકલા હતા અને ઘરના સભ્યો કામ અર્થે ઘરથી બહાર હતા. ત્યારે એકલતાનો લાભ લઈને ત્રણ અજાણ્યા ઈસમોએ હેમાબેનને ચપ્પુની અણીએ ધમકાવીને ઘરની તિજોરીમાં મુકેલા સોનાના દાગીના સહિત રોકડ મળી રૂપિયા 88,500ની મતાની ચોરી કરી અજાણ્યા લૂંટારાઓ ફરાર થયા હતા. સમગ્ર ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ચોરી લૂંટનો બનાવ
પાદરા તાલુકાનામાં લૂંટ ચલાવી ત્રણ લૂંટારૂઓ મહિલાને રૂમમાં પુરી ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના અંગે પાદરા પોલીસને જાણ થતા DYSP લૂંટનો ભેદ ઉકેલવા માટે LCB અને SOG સહિત મોડી રાતે ડોગસકોડની પણ મદદ લીધી હતી. પાદરા પોલીસે મહિલાની ફરિયાદને આધારે રૂપિયા 88,500ના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની લૂંટ ચલાવનારા ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો સાથે પોલીસનું રાત્રી પેટ્રોલિંગ વધારવા માગ કરવામાં આવી હતી.