વડોદરા : શહેર પૂર્વ મેયર અને ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ મહામંત્રી પદેથી એકાએક રાજીનામું આપ્યું છે. આ રાજીનામને લઈ શહેર ભાજપમાં ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેઓએ આ રાજીનામુ અંગત કારણોસર આપ્યું છે અને તેઓ પાર્ટીના કાર્યકર્તા તરીકે રહેશે તેવું શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે જણાવ્યું હતું. અચાનક સુનિલ સોલંકીએ આપેલા રાજીનામાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. થોડા દિવસ અગાઉ શહેરમાં મેયર વિરુદ્ધ પત્રિકા કાંડ ભારે ચર્ચામાં રહ્યો હતો. પત્રિકા કાંડમાં પાલિકામાં શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાનું નામ આવતા તેમણે હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.
રાજકીય બદલાવાનો અણસાર : આગામી સમયમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ સ્થાનિક કક્ષા અને પ્રદેશ કક્ષાએ મોટી હલચલ જોવા મળી રહી છે. આજે સવારે ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું સામે આવ્યું હતું. આ મામલે કોઈ કંઈ સમજે તે પહેલા જ બપોરે વડોદરા ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપ્યું છે. આ રાજીનામાં પાછળ ભાજપ હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતી પાર્ટી છે. આ રીતે સંગઠનમાં પડી રહેલા રાજીનામાં આગામી લોકસભાની ચૂંટણીને લઈ કોઈ મોટી જવાબદારી અથવા અન્ય કોઈ કારણ છે તે હાલ કઈ કહી શકાય તેમ નથી.
અગાઉ પણ મેં સંઘના કાર્યકર અને શહેર મેયર તરીકે કામગીરી કરી છે. મહામંત્રીના પદ પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે. જવાબદારી આવતી અને જતી હોય છે. મારી વફાદારી પાર્ટી માટે રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં રહ્યો છું અને અનેક જવાબદારી નિભાવી છે. પાર્ટી માટે હંમેશા કામ કર્યું છે અને કરતો રહીશું. મારા અંગત કારણોસર મેં રાજીનામુ આપ્યું છે.-- સુનિલ સોલંકી (પૂર્વ મહામંત્રી, વડોદરા શહેર ભાજપ)
રાજીનામાનું કારણ : આ અંગે સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે, ગત 29 જુલાઈએ શહેર અધ્યક્ષ સમક્ષ મેં મારી વાત મૂકી હતી કે, મહામંત્રીની જવાબદારીમાંથી મુક્ત થવું છે. આ બાબતને પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચાડવામાં આવી હતી. બાદમાં ગઈકાલે મારા રાજીનામું પ્રદેશે સ્વીકાર્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આજે તમારી સામે ઉભો છું. કોઈ પણ પદ સીમિત સમય પૂરતું હોય છે. વડોદરા શહેરમાં હું અલગ અલગ જવાબદારીમાં રહ્યો છું.
પાર્ટીમાં હવેનું સ્થાન ? આ અંગે વડોદરા શહેર પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે, સુનિલ સોલંકીએ સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેઓ કાર્યકર્તા તરીકે કાર્યરત રહેશે તે પ્રકારની સ્પષ્ટતા તેમણે કરી છે. આ રાજીનામું અંગત કારણોસર આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ રાજીનામાને પ્રદેશની ટીમે સ્વિકાર્યું છે અને તેમને જવાબદારીમાંથી મુક્ત કર્યા છે. તેઓ પાર્ટીના કાર્યકર તરીકે કામગીરી કરતા રહેશે.