વડોદરાઃ શહેરની સૌથી મોટી યુનિવર્સિટી એમ. એસ. યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી આ યુનિવર્સિટીમાં અનેક કિસ્સાઓને કારણે બદનામ થવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ હવે ધોરણ 12માં નાપાસ થયેલી વિદ્યાર્થિનીને યુનિવર્સિટી દ્વારા એડમિશન ફોર્મ અને ફી સ્વીકારાયા હોવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. બીજી તરફ એડમિશન મળી ગયું હોવાથી નિશ્ચિંત થઇને વિદ્યાર્થીનીએ ધોરણ 12ના એક વિષયની પુનઃ પરીક્ષા આપવાનું ટાળ્યું હતું. આમ, વિદ્યાર્થિનીને બંને બાજુથી નિરાશા જ સાંપડી છે.
આ પણ વાંચો BKNMU Social Media અરે વાહ, સોશિયલ મીડિયા પર 'નરસિંહ મહેતા'ના 9 હજારથી વધુ ફોલોઅર્સ
વિદ્યાર્થિનીની રજૂઆતઃ સામાન્ય રીતે નાપાસ થયેલા વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને નાપાસ થયા બાદ તેનાથી આગળના વર્ગમાં એડમિશન મળતું નથી. જોકે, વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ઓનલાઇન એડમિશન પ્રક્રિયામાં છબરડો થતા ધોરણ 12માં નાપાસ થયેલી વિદ્યાર્થીની કૉલેજમાં એડમિશન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થિનીનું બીકોમમાં એડમિશન કન્ફર્મ કરી ફી સ્વીકારી લેવામાં આવી છે. ત્યારબાદ 6 મહિના સુધી વિદ્યાર્થિનીએ ક્લાસ ભર્યા બાદ સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીનીનું એડમિશન કેન્સલ કરવામાં આવ્યું છે. આને લઈને વિદ્યાર્થિની દ્વારા મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરવામાં આવી છે.
વિદ્યાર્થિનીએ જમા કરાવી હતી ફીઃ આ અંગે વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, ધોરણ 12મા નાપાસ હોવા છતાં એડમિશન મળવાની શક્યતા હોવાથી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ યુનિવર્સિટી દ્વારા ફીનું ઓપ્શન આપતા 300 રૂપિયા ફી જમા કરાવી હતી. તેમાં એપ્લિકેશન પણ ઉંમેરવામાં આવી હતી. તે બાદ ફી ભરવાનો ઓપ્શન આવ્યો હતો અને તેમાં મેં ફી ભરી હતી. ત્યારબાદ લગભગ 6 મહિના સુધી ક્લાસમાં પણ જતી હતી. જોકે, હવે પરીક્ષાના સમયે યુનિવર્સિટી દ્વારા નાપાસ હોવાને કારણે એડમિશન નહીં ગણાય તેમ જણાવવામાં આવી રહ્યું છે. જો આ બાબત શક્ય નહતી તો યુનિવર્સિટી દ્વારા મને ફીની ઓપશન શા માટે આપવામાં આવી?
વિદ્યાર્થિનીએ કરાવ્યું હતું રજિસ્ટ્રેશનઃ આ મામલે વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે, આ ખૂબ મોટી વાત સામે આવી છે. કૉમર્સ ફેકલ્ટીનો આટલો આંધળો વહીવટ છે. તે આજે જાણ થઈ છે. વિદ્યાર્થિનીએ ફોર્મ ભરી 300 રૂપિયા આપી રજિસ્ટ્રેશન કરાયું હતું. વિદ્યાર્થિની કમ્પયુટરમાં ફેઈલ હોવા છતાં તેને એડમિશન આપવામાં આવ્યું હતું. આ યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ ચેક કરવાનો એક નિયમ હોય છે, જે બાદ વિદ્યાર્થીઓને ફી પેનો ઓપ્શન આપવામાં આવે છે. ત્યારબાદ એડમિશન કન્ફર્મ ગણાય છે. તો શું વિદ્યાર્થીને એડમિશન આપતા યુનિવર્સિટીએ ડોક્યુમેન્ટ નહોતા જોયા? નાપાસ હોવા છતાં વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવ્યું છે. જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા.