વડોદરા: વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં નેશનલ હાઈવે ઉપર આવેલ દેખાય ગામ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા ગુજરાતનાં મુખ્યમંત્રીના પીઆરઓના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. અકસ્માતમાં બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. સીએમના પી.આર.ઓના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયુ હોવાથી રાત્રે પોસ્ટ મોર્ટમ કરીને પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
મૃતદેહને ગાંધીનગર લઈ જવાયો: સીએમના પીઆરઓના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવના મૃતદેહનું અકસ્માત બાદ રાત્રે જ કરજણ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને રાત્રે અઢી વાગે પરિવારને સોપાયો હતો. રાત્રે જ પરિવાર મૃતદેહને લઈને ગાંધીનગર જવા રવાના થઈ ગયો હતો. આ ઉપરાંત 2 ઇજાગ્રસ્તોને કરજણની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ગાંધીનગર લઈ જવાયા હતા.
અજાણ્યા વાહને યુવાનોને અડફેટે લીધાં: દેથાણ પાસે નેશનલ હાઇવે ઉપર કાર પાર્ક કરીને 3 યુવાન ઉભા હતા. તેવામાં એક અજાણ્યા વાહને પૂરઝડપે આવી આ યુવાનોને અડફેટે લીધા હતાં. આ બનાવમાં એક યુવાનનું મોત નિપજયું હતું અને 2 યુવાનો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ અકસ્માતમાં એક યુવાનનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન બન્યાં છે.
'અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાનનું મોત થયું હતું જ્યારે 2 યુવાન ઇજાગ્રસ્ત થયા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે. પોલીસ તંત્રએ તેની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતનો ભોગ બનનાર ત્રણેય યુવાનો ભરૂચથી નોકરી ઉપરથી આવી રહ્યા હતા અને ગાંધીનગર જઈ રહ્યા હતા.' - પોલીસ સ્ટેશનના પીઆઇ
કેવી રીતે સર્જાયો અકસ્માત?: મીડિયા રિપોર્ટ મુજબ ગત મોડીરાતે CMO ના PROના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવ સહિત 3 યુવક ભરૂચથી ગાંધીનગર જવા માટે કારમા નીકળ્યા હતા. આ દરમિયાન કાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે પહોંચતા ઉભી રાખી હતી. દરમિયાન પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને કારને અડફેટે લેતા વૈષ્ણવ સહિત 3 યુવકો ઝપેટમાં આવી ગયા હતા. જેમાં વૈષ્ણવનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.