વડોદરા : કોરોનાથી 130 કરોડની જનતાને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે 8 કલાકે પ્રજાજોગ સંબોધનમાં સમગ્ર દેશમાં આગામી 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, આ સ્થિતિ જનતા કરફ્યૂ કરતા વધારે આકરી છે. કોરોનાની મહામારી અટકાવવા માટે સોશિયલ ડિસ્ટનસિગ જરૂરી છે. જ્યાં સુધી ઘરના દરવાજે સંયમની લક્ષ્મણરેખા ખેંચીને અંદર નહીં રહીએ ત્યાં સુધી કશુ જ શક્ય નથી.
આ તકે વડાપ્રધાને પ્રજાને બે હાથ જોડીને ઘરમાં રહેવા વિનંતી કરી હતી, ત્યારે લોકોને આવી કપરી પરિસ્થિતિમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તે હેતુસર વડોદરા શહેરમાં આવેલા ડી-માર્ટ શોપિંગ મોલ ખાતે ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ડી-માર્ટ સંચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એક એક ફૂટના અંતરે ગોળ કુંડાળા કરવામાં આવ્યા છે. જેમાં રહીને જ લોકો ચીજ વસ્તુઓ ખરીદી શકે, આ ઉપરાંત ખરીદી અર્થે આવતા તમામ લોકોનું ટેમ્પરેચર ગનથી સ્ક્રિનિગ પણ કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં સવારે 8થી 12 કલાક સુધી ડી-માર્ટ ખુલ્લુ રહેશે જેની નોટીસ પણ લગાડવામાં આવી છે. કોરોનાની દહેશત વચ્ચે પણ લોકોને ખાસ તકેદારી ,સાવચેતી રાખી જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે કરવામાં આવેલી આ પહેલને લોકોએ બિરદાવી હતી. આ સાથે નગરજનોને અગત્યના કામ સિવાય બહાર નહીં નીકળવા અપીલ કરી હતી.