વડોદરા: મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે શહેરમાં અભૂતપૂર્વ શિવજીની સવારી નીકળી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવનિર્મિત સુરસાગર તળાવનું લોકાર્પણ સાથે સર્વેશ્વર મહાદેવની મહાઆરતી પણ કરી હતી.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થઇ રહી હતી. વડોદરાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી યોગેશ પટેલના નેતૃત્વ હેઠળ સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા વડોદરા સુરસાગરની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની સ્થાપના કર્યા બાદ મહાઆરતી અને શિવજીની સવારીએ ભક્તજનોને ઘેલા બનાવ્યા હતા.
આ પરંપરા મુજબ શિવજીની આરાધના કરતા ભજનો ગીતો સાથે શ્રી ત્રાણમુક્તશ્વર મહાદેવ મંદિર ખાતેથી શુક્રવારે બપોરે 3 વાગે શિવજીની સવારીનો આરંભ થયો હતો. જેમાં બાળકો, યુવાનો, યુવતીઓ વિવિધ વેશભૂષામાં જોડાયા હતા. અખાડાના બોડી બિલ્ડર યુવાનોએ સવારીમાં કરતબો બતાવી આગવું આકર્ષણ જમાવ્યું હતું. સુવર્ણથી મઢેલ નંદી પર સવાર ભગવાન શિવજી, માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયના દર્શન માટે માર્ગો ઉપર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઠેર-ઠેર સવારીનું વિવિધ સંસ્થાઓ,યુવક મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં 35 કરોડના ખર્ચે સુશોભિત બનેલા સુરસાગર તળાવ માટે અધિકારીઓ અને નેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે શિવજી પાસે પ્રાર્થના કરી હતી કે, દેશની સામે આંગણી ચિંધનારાનો વિનાશ થાય. તેમણે ટુકડાગેંગ વિશે પણ આકરા પ્રહારો કર્યા હતા.