ભરૂચ : જિલ્લાના દહેજ ખાતે HPCL કંપનીના લોડીંગ પોઇન્ટ ખાતેથી કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાં ગેસ ભરીને ઇન્દોરમાં HPCL માં ખાલી કરવા માટે રવાના થતી કેપ્સ્યુલ ટેન્કર ગાડીના ડ્રાઈવર દ્વારા વડોદરા- હાલોલ હાઇવે ઉપર જરોદ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ભણીયારા ગામે, સ્મશાન ની ખુલ્લી જગ્યામાં કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાંથી ગેરકાયદેસર કોમર્શિયલ ગેસ સિલિન્ડર રીફીલીંગ કરવાના ચાલતા કૌભાંડને જરોદ પોલીસે પર્દાફાશ કરી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ક૨તા ચાર વ્યક્તિઓને રંગે હાથે ઝડપી પાડી રૂપિયા 5.78 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આવી રીતે કૌભાંડ આચરવામાં આવ્યું : કેપ્સ્યુલ ટેન્કર ચાલક તેમના ટેન્કર લઇ વડોદરા- હાલોલ રોડ ઉપર જરોદ ભણીયારા ગામની સીમમાં આવેલા સ્મશાન ની પાછળ ની ખુલ્લી જગ્યામાં કેપ્સ્યુલ ટેન્કર ગાડી પાર્ક કરી સંજયસિંગ ઓમપ્રકાશ બિશ્નોઈ, રામેશ્વર લાલ રાજારામ બિશ્નોઇ ને ફોન કરી બોલાવી તેઓ એક બંધ બોડીનું પીક અપ જીપ ડાલુ માં કોમર્શિયલ ગેસ સિલિન્ડર તથા કેપ્સ્યુલ ટેન્કરના વાલ્વ માંથી રીફીલીંગ કરવા માટે પાઇપો તથા બીજા અન્ય સાધનો લઈને સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં આવી પહોંચ્યા હતા. વારાફરતી બન્ને કેપ્સ્યુલ ટેન્કરના વાલ્વ ખોલી તેમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર માં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા.
આ લોકો સામેલ હતા : જાણવા મળતી માહિતી મુજબ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ગુરદીપસિંગ શ્રીસાદુર્સિંગ પરીહારએ તેની ટાટા કંપની કેપ્સ્યુલ ટેન્કર HPCL કંપનીમાં ગેસ ના પરિવહન માટે પાંચ વર્ષના કરાર ઉપર રાખેલ છે. આ કેપ્સ્યુલ ટેન્કર ગાડી ચલાવવા માટે બે વર્ષથી હલીમખાન મુનશી ખાનને ડ્રાઇવર તરીકે નોકરી ઉપર રાખેલ છે. જે અન્ય ટ્રાન્સપોર્ટ કંપની ડ્રાઇવર ભગવત સાથે સવારે આશરે નવ વાગ્યે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે HPCL કંપનીના લોડીંગ પોઇન્ટ ખાતેથી કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાં ગેસ ભરીને ઇન્દોરમાં HPCL માં ખાલી કરવા માટે રવાના થયો હતો.
પોલિસે તપાસ હાથ ધરી : જરોદ પોલીસે HPCL કંપનીના કેપ્સ્યુલ ટેન્કર ગાડી માંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીફીલીંગ કરવામાં આવી રહેલ કૌભાંડનો પર્દાફાશ કરી સ્થળ પરથી કેપ્સ્યુલ ટેન્કર ચાલક હલીમખાન મુનશી ખાન, ભગવત ગજની લાલ રાઠોડ તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવા લઈને આવનાર સંજયસિંગ ઓમપ્રકાશ બિશ્નોઈ, રામેશ્વર લાલ રાજારામ બિશ્નોઇને રંગે હાથે ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી. 39 નંગ કોમર્શિયલ ગેસ સિલિન્ડર તથા ગેસ રિફિલિંગ કરવાની પાઇપ, બોલેરો પીકપ-અપ ગાડી સહિત કુલ રૂપિયા 5,78,700ની કિંમત નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.