- 25 દિવસની સઘન અને કાળજીભરી સારવારથી સરલાબેન કોરોનામુક્ત થયા
- સરલાબેનને ત્રણ વાગે ICUમાં દાખલ કરીને બાયપેપ પર મુક્યા હતા
- હોસ્પિટલમાં બધા જ ડૉક્ટર, મેડમ, સિસ્ટર, સર્વંટ અને સ્ટાફ ખૂબ સારા છે
વડોદરા : સમરસ હોસ્ટેલ હોસ્પિટલ ખાતે કદાચ અત્યાર સુધીમાં સહુથી લાંબી 25 દિવસની સઘન અને કાળજીભરી સારવારથી કોરોનામુક્ત થયેલા 67 વર્ષના સરલાબેન શાહને આજે રવિારે જ્યારે રજા આપવામાં આવી ત્યારે તેઓ ભાવવિભોર થઇ ગયા હતા. તેમણે માતાની માફક સહુને ખરા દિલથી દુઆ આપતા જણાવ્યું કે, આ હોસ્પિટલમાં બધા જ ડૉક્ટર, મેડમ, સિસ્ટર, સર્વંટ અને સ્ટાફ ખૂબ સારા છે. પેટના જણ્યા છોકરા ના લે એવી મારી સારસંભાળ આ લોકોએ લીધી છે. વારંવાર ડાયપર બદલાવ્યા અને સફાઈ કરી છે. મને કોઈ જાતની તકલીફ પડવા દીધી નથી.
આ પણ વાંચો : વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં ભાજપ દ્વારા સ્માર્ટફોન વિતરણ કરાયા
સ્વચ્છતા ખૂબ સારી છે અને સ્ટાફનું વર્તન વિનયભર્યું
તેમણે જણાવ્યું કે, હું પૂરેપૂરી સાજી થઈ ગઈ છું, એવી ખાત્રી થયાં પછી જ મને રજા આપી છે. અહીં જમવાનું, છાશ, દૂધ બધું જ સમયસર આપવામાં આવે છે. આખી સારવાર વિનામૂલ્યે થઈ છે. સ્વચ્છતા ખૂબ સારી છે અને સ્ટાફનું વર્તન વિનયભર્યું છે. સહુનો ખૂબ ખૂબ આભાર.
મધ્યરાત્રિ પછી લગભગ દોઢ વાગ્યે ICUમાં 5 વેન્ટિલેટર કાર્યરત
20 મી એપ્રિલે આખી ટીમે યુદ્ધના ધોરણે રાત-દિવસ કામ કર્યું અને મધ્યરાત્રિ પછી લગભગ દોઢ વાગ્યે ICUમાં 5 વેન્ટિલેટર કાર્યરત કર્યા હતા. કોરોનાની બીજી લહેર ટોચ પર હતી અને સયાજી અને ગોત્રીના લગભગ તમામ ICU બેડ પર દર્દીઓ હતા. ઉપરોક્ત શબ્દોમાં આખા ઘટના ક્રમને યાદ કરતાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવે જણાવ્યું કે, સમરસ ખાતે ICU કાર્યરત કાર્યને માંડ અર્ધો કલાક થયો હતો.
ટીમ સયાજી સમરસ આ જીવન રક્ષક સેવા માટે ધન્યવાદને પાત્ર
રાત્રિના અંદાજે બે વાગે ખૂબ ઘભરાયેલા અને આકળ વિકળ જણાતા રોનકનો ફોન આવ્યો. તેઓ વોટ્સેપ મીડિયા ગ્રુપના સદસ્ય છે. તેમના માતાને તાત્કાલિક બાયપેપની જરૂર હતી. સમય બગાડ્યા વગર તુરંત જ ડૉ.શીતલ મિસ્ત્રીને સાથે રાખીને સમરસ હોસ્પિટલ સાથે સંકલન કર્યું અને તેમના માતા સરલાબેનને ત્રણ વાગે ICUમાં દાખલ કરીને બાયપેપ પર મુક્યા અને આજે તેનું ખૂબ સારું પરિણામ મળ્યું છે. ખૂબ આનંદની વાત છે કે, આ પ્રથમ દર્દી પૂરેપૂરા સાજા થઈને આજે ઘેર ગયા છે. ટીમ સયાજી સમરસ આ જીવન રક્ષક સેવા માટે ધન્યવાદને પાત્ર છે.