વડોદરા : રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વડોદરામાં 3 રોમિયોએ રિક્ષામાં જતી યુવતીને પરેશાન કરતો કિસ્સો સામે આવ્યો છે. પરંતુ યુવતીની સૂઝબૂઝના કારણે તેણે ઘટનાનો વીડિયો બનાવીને લોકોની મદદ માંગી હતી અને પોલીસના ધ્યાનમાં આવતા આ રોમિયોની ધરપકડ કરીને પોલીસે અટકાયતી પગલાં લીધા હતા.
આ પણ વાંચો : છેડતી કરનાર રોમિયોને ભરબજારે પબ્લિકે ધોઈ નાખ્યો, દંડા તમાચાનો આપ્યો પ્રસાદ
શું હતો સમગ્ર મામલો : વડોદરાની એક યુવતી ઓટો રિક્ષામાં સવારી કરી રહી હતી, ત્યારે ત્રણ રોમીયો બાઇક લઇને લાંબો સમય સુધી તેનો પીછો કરતા હતા. યુવતીએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. બાદમાં પોલીસ કમિશનર અને શી ટીમે આ રોમિયોને ઝડપી પાડવા કામગીરી આદરી હતી અને માત્ર ત્રણ જ દિવસમાં વિડીયોમાં દેખાય રહેલા રોમિયાને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ભોગ બનેલી યુવતીએ વડોદરા પોલીસ અને શી ટીમનો આભાર માન્યો હતો.
મહિલાએ પોલીસની મદદ લેતા અનુરોધ કર્યો : આભાર વ્યક્ત કરતો વિડીયો વડોદરા પોલીસે શેર કર્યો હતો. પોલીસે શેર કરેલા વીડિયોમાં યુવતી પોલીસનો આભાર માની રહી છે અને અન્ય મહિલાઓને પણ પોલીસની મદદ લેવા માટે અનુરોધ કરી રહી છે. આ અંગે ACP એ જણાવ્યું કે, અમને 4થી 5 દિવસ પહેલા એક સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો વડોદરા સીટી પોલીસના ધ્યાન પર આવ્યો હતો. એમાં એક યુવતી રિક્ષામાં જઈ રહી છે અને ત્રણ વ્યક્તિએ રીક્ષાની સાથે સાથે ચલાવી પીછો કરી રહ્યા હતા. એ પ્રકારનો વિડિઓ અમને મળ્યો વીડિયોમાં યુવતી બોલી રહી છે કે 7 થી 8 કિલોમીટર સુધી મારો પીછો કર્યો હતો.
આ પણ વાંચો : રોમિયો-ટપોરીઓની હવે ખેર નહીં : મહિલા પોલીસ શી ટીમની કામગીરીથી શહેરવાસીઓમાં રોનક
પોલીસે અટકાયતી પગલાં લીધા : આ છોકરાઓ જે વિડિઓ છે એમાં બાઈક નંબરને બધું દેખાતું હતું. બેનનો સંપર્ક કરી અને છોકરાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ સવારીમાં જતા એમનું વાહન પણ ડિટેઇન કરવામાં આવ્યું છે. આ યુવતી પોતાના ઘરે જઇ રહી હતી. આ દરમિયાન છોકરાઓએ પીછો કર્યો જેથી આ યુવતીએ વિડિઓ વાયરલ કર્યો હતો. આ યુવતીએ કોઈ ફરિયાદ કરવા નથી માંગતી પણ સી ટીમ એ અટકાયતી પગલાં લીધા છે જેથી ફરીથી આવું પ્રકારનું કોઈ કૃત્ય ના કરે.