વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ચિમનલાલ પાર્કમાં રહેતા મૃગેશ પ્રણયરત્ન સોરલ ઓલા કેબ ઓનલાઇન સર્વિસમાં કામ કરે છે. ગત 12 માર્ચના રોજ મોડી રાત્રે તે વડોદરા રેલવે સ્ટેશન ઉપર પોતાની કાર લઇને ઉભો હતો, ત્યારે ત્રણ યુવાનો તેની પાસે આવી પહોંચ્યા હતાં. જેમણે વાઘોડિયા જવા માટે રૂપિયા 600માં કાર ભાડે કરી હતી. આ કાર વાઘોડિયા ચોકડી પહોંચ્યા બાદ મુસાફરના સ્વાંગમાં બેઠેલા લૂંટારૂઓ ડ્રાઇવરને ગોરજ જવાનું જણાવ્યું હતું.
ગોરજ તરફના રસ્તા ઉપર લઘુશંકા માટે કાર ઉભી રખાવી ટોળકીના 2 સાગરીતોએ ડ્રાઇવર મૃગેશ સોનલને પાછળની ઉપર બેસાડી દીધો હતો અને તેની આજુબાજુમાં અન્ય બે લૂંટારૂ બેસી ગયા હતા. એક લૂંટારૂ સ્ટીયરીંગ સીટ પર બેસી જઇ કાર હંકારી હતી. તેમજ લૂંટારૂ ટોળકીએ ચાલુ કારમાં ડ્રાઇવરના ખિસ્સામાંથી રૂપિયા 3000 રોકડ લૂંટી લીધા અને ATM કાર્ડ લઇ લીધું હતું અને જબરજસ્તી કાર્ડનો પીન નંબર લઇ ATMમાંથી રૂપિયા 9000 ઉપાડવા જતાં જ કાર ચાલક મૃગેશે તક જોઇ બહાર નિકળી બુમાબુમ કરી મૂકી હતી. જેથી કારમાં બેઠેલા અન્ય 2 લુંટારૂઓ કાર લઇને ફરાર થઇ ગયા હતા. જ્યારે એ.ટી.એમ.માં નાણાં ઉપાડવા ગયેલા લૂંટારૂને મૃગેશે એ.ટી.એમ.માં દબોચી લીધો હતો.
કાર ચાલકે લૂંટારુને ઝડપી પાડતા અન્ય લોકો દોડી આવ્યાં હતાં. તે દરમિયાન કાર ચાલક ઝડપાયેલા લૂંટારૂને વાઘોડિયા પોલીસ મથકમાં લઇ ગયો હતો. જ્યાં પોલીસે ઝડપાયેલા લૂંટારૂની પૂછપરછ કરતા તેણે તેનું નામ રીઝવાનખાન મહંમદખાન મહીડા રહે. આંકલાવ હોવાનું જણાવ્યું હતું. તેમજ ફરાર થઇ ગયેલા બે સાગરીતો પૈકી એકનું નામ ઉસ્માન માનસિંગ ચૌહાણ રહે નાપાડ, હોવાનું જણાવ્યું હતું. જ્યારે ત્રીજો ઉસ્માનનો મિત્ર હોવાથી નામ ખબર ન હોવાનું જણાવ્યું હતું. જે પૈકી પોલીસે ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.