વડોદરા : 1100 કિલોનું દિવાનું સ્ટેન્ડ, 108 ફૂટની અગરબત્તી અને પિત્તળની તકતીઓ એમ 3 ભેટ વડોદરાથી અયોધ્યા ખાતે મોકલવામાં આવશે. વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મ સ્થળ ઉપર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ દિવસે નવા બનેલા મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે આ માટે વડોદરા માંથી રામભક્તો અને ગોપાલક સમાજ ના આગેવાનો એ બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી ને તારીખ 31 ડિસેમ્બર ના રોજ અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી છે. ત્યારબાદ હવે વડોદરા માંથી 1100 કિલો વજનનો ભવ્ય દીવો અને પિતળ ની તકતીઓ પણ અયોધ્યા મોકલવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
1100 કિલોનો દીવો બનાવવામાં આવ્યો: 22મી જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવશે. અહીં ભાયલી માં રહેતા રામ ભક્ત અરવિંદ પટેલે આ 1100 કિલોનો આ દીવો બનાવડાવ્યો છે. તેમનું કહેવું છે કે, વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ મને થયુ હતુ કે, આ સાથે આવો જ એક દીવો પણ ભગવાન રામના મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ. એટલે યુદ્ધના ધોરણે દીવો બનાવવાનું કામ શરુ કરાવ્યું. મકરપુરા જીઆઈડીસીમાં એક કારખાનામાં 10 જેટલા કારીગરોએ 12 દિવસમાં રોજ સતત 24 કલાક કામ કરીને આ દીવો બનાવ્યો છે. સ્ટીલમાંથી બનેલા દીવા ઉપર રંગ કરાયો છે, જેનું કુલ વજન 1100 કિલો છે.
દીવામાં 501 કિલો ઘીની ક્ષમતા છે : મળતી માહિતી મુજબ દીવાની ઉંચાઈ સવા નવ ફૂટ અને પહોળાઈ આઠ ફૂટ જેટલી છે. તેની ઊંડાઈ એક ફૂટ રાખવામાં આવી છે. આ દીવામાં 501 કિલો ઘી પૂરવાની ક્ષમતા છે. આ દિવાને પ્રગટાવવા માટે ચાર ફૂટની મશાલ અને 15 કિલો રૂ ની દિવેટ પણ તૈયાર કરવામાં આવી છે. એક વખત જો આ દીવાને પ્રગટાવવામાં આવે તો તે બે મહિના કરતા પણ વધારે સમય સુધી તે પ્રકાશ આપતો રહે છે.
ટ્રક મારફતે અયોધ્યા મોકલવામાં આવશે : શ્રદ્ધાળુઓ દ્વારા ભારે શ્રધ્ધા થી તૈયાર કરવામાં આવેલ આ દીવાને ટ્રક મારફતે અયોધ્યા મોકલવાની તૈયારી કરવામાં આવી છે. અયોધ્યામાં મંદિર તરફથી મંજૂરી પણ જરુરી છે અને આ માટે શહેર ભાજપ પ્રમુખ તેમજ સાંસદ સહિતના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મંજૂરી મળશે તે પછી દીવાને અયોધ્યા રવાના કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવશે.