વડોદરા:સરકાર દરેક પ્રકારની યોજના અને આયોજન શરૂ કરે છે. પરંતુ આ તમામ બાબતને સરકાર તરફથી તેની તપાસ કરવામાં આવે તો ખરેખર ખબર પડે કે છેવાડાના માનવીની શું સુવિધાઓ પહોંચે છે. આવી રીતે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન રાઘવજી પટેલે છેવાડાના માનવીની મુલાકાત લીધી હતી. કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ પ્રધાન રાઘવજી પટેલ સાવલી અને ડેસર તાલુકાની એક દિવસીય મુલાકાતમાં વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને જાત નિરીક્ષણ કર્યું હતું.
અધિકારીઓને સૂચનાઓ અપાઈ: સાવલી સ્થિત સરકીટ હાઉસ ખાતે મળેલી સમીક્ષા સહ સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા માહિતી અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, મત્સ્યોદ્યોગના મદદનીશ નિયામક, પશુપાલન અધિકારી, બાગાયત અધિકારી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પ્રધાને અધિકારીઓને જનહિતના કાર્યો અને લોકસેવા માટે હંમેશા તત્પરતા દાખવવા સૂચના આપી હતી.
મહત્વની બેઠક સાથે નિરીક્ષણ કર્યું: સાવલી ખાતે સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપ્યા બાદ તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે સાવલીના સર્કિટ હાઉસ ખાતે તેમના વિભાગ સંબંધિત વિવિધ કામગીરીની સમીક્ષા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે સાવલી અને ડેસર તાલુકાના ગામોની પણ રૂબરૂ મુલાકાત લઈ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ અહીંના વિવિધ કાર્યોનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
લાભાર્થીઓ સાથે વાર્તાલાપ: ડેસરના વરસડા ગામની ગલીઓમાં પ્રધામ એક સામાન્ય નાગરિકની માફિક ફર્યા હતા. અહી તેમણે નિર્માણાધિન આંગણવાડીની મુલાકાત લીધી હતી. છેવાડાના માનવીનું હિત હૈયે વસતું હોય તેવી રાજ્ય સરકારના પ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા અને નિર્માણની પ્રગતિ હેઠળના મકાનોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરીને તેમનો પ્રતિભાવ પણ મેળવ્યો હતો. સાથે નિર્માણાધિન અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. વરસડા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્માણાધીન સામૂહિક સોકપીટ અને સામૂહિક કંપોસ્ટ પીટની મુલાકાત લીધી હતી. સાથે ડેસર ગામે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રધાન સાથે રહ્યા હતા અને જરૂરી જાણકારી આપી હતી.
આ પણ વાંચો Vadodara Crime : નજર ચૂકવી દાગીના ઉતારી લેતી ટોળકીને વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ પાડી
પ્રધાન દ્વારા જાત નિરીક્ષણ: સમીક્ષા બેઠક બાદ પ્રધાને સાવલી ગામે ગૌશાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સ્થાનિક મામલતદાર તથા જિલ્લા પશુપાલન અધિકારી તેમની સાથે રહ્યા હતા. અહીં અધિકારીઓ પાસેથી ગૌશાળા સંબંધિત જાણકારી મેળવી જાત નિરીક્ષણ કર્યું હતું. સાથે પરથમપુરા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતના ખેતરની મુલાકાત લઈને અન્ય ખેડૂતોનો પણ ઉત્સાહ વધાર્યો હતો. ત્યારબાદ ડેસર સ્થિત નિર્માણાધીન તળાવની મુલાકાત લઈને લાભાર્થી સાથે વાતચીત કરી હતી. મદદનીશ નિયામક મત્સ્યોદ્યોગે પ્રધાન સાથે રહી તળાવ સંબંધિત તેમજ અન્ય કામગીરીથી વાકેફ કર્યા હતા.