આ પહેલ રીક્ષાચાલકોના વિવિધ મંડળોના પ્રોત્સાહક સહયોગ દ્વારા કરવામાં આવી છે. જેના ભાગરૂપે હાથ ધરાયેલા અભિયાનના પગલે રીક્ષામાં લગાવેલા સ્ટીકર પ્રવાસીઓને મતદાનની આગામી ૨૩મી એપ્રિલની સતત યાદ તાજી થશે. તેના અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે શહેરી રીક્ષાઓ પર મતદાનની તારીખ-સમયનો સંદેશ આપતા સ્ટીકર્સ લગાવીને મતદાન સંદેશના ચલિત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ ઉપરાંત તેમની સાથે ટ્રાફિક વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નર અમિતા વાનાણી, પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ રીક્ષાચાલક મંડળોના પદાધિકારીઓ આ અભિયાનમાં જોડાયા હતા. તેના ભાગરૂપે અંદાજે ૧૦ હજાર જેટલી શહેરી રીક્ષાઓના બેક પોર્શનમાં મતદાન કરવાનો ચિત્ર સંદેશ આપતા રસપ્રદ અને પ્રેરણાદાયક સ્ટીકર્સ લગાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ અભિયાનમાં રીક્ષાચાલકોએ ખૂબ જ પ્રોત્સાહક સહયોગ આપ્યો છે અને મતદાન અવશ્ય કરવાના શપથ લીધા હતા.