- વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવા રાજ્ય ગૃહપ્રધાન વડોદરાના મહેમાન બન્યા
- સિટી મ્યુઝિયમના હેતુસરની ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગનું હસ્તાંતરણ કર્યું
- અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
વડોદરા : રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા વિવિધ વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે રવિવારે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જેમાં વડોદરા શહેર માટે સિટી મ્યુઝિયમના હેતુસરની ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગનું હસ્તાંતરણ કર્યું હતું. જે બાદ ચાંદોદ રેલ સેવાના શુભારંભ અને ચાંદોદ પોલીસ મથકની તક્તીનુ અનાવરણ કરવા તેમજ અન્ય કાર્યક્રમોમાં હાજરી આપવા રવાના થયા હતા.
અઢી વર્ષ જૂની માગ આખરે સંતોષાઈ
રવિવારનો દિવસ વડોદરા શહેર માટે અતિ મહત્વનો અને ખુશીની લહેર ફેલાવતો બન્યો હતો. ગત અઢી વર્ષથી શહેરીજનો જેની આતૂરતા પૂર્વકની રાહ જોતા હતા, તે સિટી મ્યુઝિયમ માટેની ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગનુ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું.
R&B વિભાગને ન્યાય મંદિરની હેરિટેજ બિલ્ડિંગના દસ્તાવેજોનો કબ્જો સોંપ્યો
રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રવિવારે સવારે પ્રથમ વડોદરા શહેરની મુલાકાત લઈ સવારે 9 કલાકે ન્યાય મંદિર ખાતે હેરિટેજ બિલ્ડિંગનુ હસ્તાંતરણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલની ખાસ ઉપસ્થિતિમાં આર એન્ડ બી વિભાગને ન્યાય મંદિરની હેરિટેજ બિલ્ડિંગના દસ્તાવેજોનો કબ્જો સોંપવામાં આવ્યો હતો. જે બાદ બપોરે 12 કલાકે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ચાંદોદ રેલવે સ્ટેશન ખાતે રેલ સેવાનો શુભારંભ ત્યાર બાદ બપોરે 12-39 કલાકે ચાંદોદ પોલીસ મથકનું અને તક્તીના અનાવરણ દ્વારા ડેસર પોલીસ લાઈનનુ લોકાર્પણ કરીને વડોદરા શહેર પરત ફરશે. જે બાદ સાંજે 4-15 કલાકે ગાંધીનગર ગૃહ ખાતે શહેર પોલીસ વિભાગના સી ટીમ અને ઘોડેસવારી ક્લબના કાર્યક્રમમાં હાજરી આપશે.