વડોદરાઃ રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જેના ભાગરૂપે કરજણ પટેલ વાડી ખાતે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની પૂર્વ તૈયારીઓની શરૂઆત કરી છે. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.
ભાજપે કાર્યાલય ખુલ્લું મૂકી કરજણ પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ પ્રસંગે કરજણ નગરપાલિકાનાં કોંગ્રેસના અશોક સિંહરાણાએ ભાજપનો ખેસ પહેરી પક્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. જેને કારણે કરજણ પેટા ચૂંટણીમાં રાજકીય મોરચમાં ગરમાવો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બર 2020ના રોજ યોજાનારી છે. કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શુક્રવારના રોજ 9 ઓક્ટોબરથી શરૂ થશે અને તારીખ 16 ઓક્ટોબર સુધી જાહેર રજાના દિવસ સિવાય સવારના 11.00 થી બપોરના 3.00 કલાક સુધી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, પ્રથમ માળ, તાલુકા સેવાસદન, કરજણ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, મામલતદાર કચેરી, ભોંયતળિયે, તાલુકા સેવાસદન કરજણ ખાતે ભરી શકાશે. 17 ઓક્ટોબર 2020ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને તારીખ 19 ઓક્ટોબરના રોજ બપોરના 3.00 કલાક સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. જો ચૂંટણી લડાશે તો તારીખ 3-11-2020 ના રોજ સવારે 7.00 કલાકથી સાંજના 6.00 કલાક સુધી મતદાન યોજાશે.
જ્યારે તારીખ 10-11-2020 ના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથધરાશે અને તારીખ 12-11-2020 ના રોજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.