વડોદરાઃ સાવલી તાલુકાના સમલાયા ગામની સીમમાં કે.ઇ.સી કંપનીની બાજુમાં શેડ ઉભો કરીને બ્રાન્ડેડ કંપનીના લેબલોનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ બીડીઓ બનાવતી ફેકટરી ચાલતી હોવાની બાતમી વડોદરા જીલ્લા એસઓજીને મળી હતી. આ બાતમીના પગલે એસઓજીના પીઆઇ પી.વી.પરગડુ અને પી.એસ.આઇ ટી.બી.પંડયાએ તે ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. આ દરમિયાન શેડમ ઇશ્વર દોલાજીભાઇ પુરોહિત મજુરો રાખીને બ્રાન્ડેડ કંપનીના લેબલો બીડીયો ઉપર લગાવતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત આ સ્થળેથી રંગાભાઇ રયજીભાઇ પઢીયાર પણ મળી આવ્યો હતો.
આ શેડની તપાસ કરતા તેમાંથી રાજકમલ, સ્પેશિયલ ટેલીફોન, દેસાઇ અને દત્ત લંગર કંપનીના લેબલો મળી આવ્યા હતા. આ ઉપરાંત અલગ અલગ કંપનીના માર્કના સિકકા તથા લેબલ વગરની બીડીના ભરેલા બોકસ મળી આવ્યા હતા. જે અંગે ઈશ્વર અને રંગાજીની પુછપરછ કરતા તેમને ઉડાઉ જવાબ આપ્યા હતા. જયારે કોઇ બીલ કે આધાર પુરાવા રજૂ કરી શકયા ન હતા.
વધુમાં લેબલ વગરની બીડી તેઓ સસ્તા ભાવમાં લાવીને જુદી જુદી કંપનીના લેબલ લગાવીને હોલસેલમાં જુદા જુદા ગામડામાં વેપારીને વેચાણ કરતા હોવાનું સામે આવ્યુ હતું. એસઓજીએ રૂપિયા 3,87,310 નો મુદ્દામાલ સાથે બન્ને આરોપીની અટકાયત કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઇશ્વર દોલજીભાઇ પુરોહિત સામે અગાઉ પણ બ્રાન્ડેડ કંપનીના નામે બીડીઓ વેચવાના કૌભાંડમાં તેના વિરુદ્ધ વર્ષ 2018 માં ગુનો નોંધાયો હતો.