વડોદરા : શહેરના સિંઘરોટ ખાતેથી 700 કરોડોથી વધુ રૂપિયાનું ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવી હતી. આ ફેક્ટરીની તપાસ કરતા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી બ્રોકીંગની દુકાનમાંથી શંકાસ્પદ મટીરીયલ ભરેલા બેરલ મળી આવ્યા હતા. જે બાદ સયાજીગંજમાં આવેલા આનંદ કોમ્પલેક્ષમાંથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા પંચોને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે સ્થાનિકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
પંચોને સાથે રાખી સર્ચ કરાયું તાજેતરમાં ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોર્ડ દ્વારા સિંઘરોટ પાસેથી ડ્રગ્સ બનાવતી મીની ફેક્ટરી ઝડપી પાડી હતી. આ મામલે ફેક્ટરીના માસ્ટર માઇન્ડ સહિત અનેકની ધરપકડ કરી હતી. જે સંદર્ભે આજે વડોદરાના સયાજીગંજમાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. આજે સિંઘરોટમાંથી મીની ડ્રગ્સ ફેક્ટરી પકડાવવા મામલે ત્રણ આરોપીઓ તેમજ પંચને સાથે રાખીને બપોરના સમયે સયાજીગંજ વિસ્તારમાં આવેલા આનંદ કોમ્પલેક્ષમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસનો ધમધમાટ લોકોથી ધમધમતા સયાજીગંજ વિસ્તારમાં અચાનક ગુજરાત ATS અને વડોદરા SOGના જવાનોએ કાર્યવાહી શરૂ કરતા લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે સંદર્ભે ગણગણાટ શરૂ થયો હતો. તો બીજી તરફ ગુજરાત ATS દ્વારા સત્તાવાર રીતે આ સંદર્ભે કોઇ જાણકારી આપવામાં આવી નથી. હાલમાં આ ત્રણે આરોપીઓને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થતા ગુજરાત ATS દ્વારા તપાસ પૂર્ણ થતાં પરત ફરશે.
આ પણ વાંચો સુરતમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ, ડ્રગ પેડલર વસીમ મિર્ઝા વોન્ટેડ જાહેર
વધુ તલસ્પર્શી તપાસથી નવા ખુલાસા થઈ શકે છે ગુજરાત ATS દ્વારા ત્રણે આરોપી રાજુ રાજપૂત, યોગેશ તડવી અને અનિલ પરમારને સાથે રાખી તલસ્પર્શી તપાસ કરી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ ત્રણે આરોપી ટ્રાવેલ્સ મારફતે મુંબઈ ડ્રગ્સ મોકલતા હોવાની સામે આવ્યું છે અને તેઓ નાણાંની હેરાફેરી આંગડિયા પેઢી મારફતે કરતા હોવાનો ખુલાસો થયો છે. સાથે આ આંતરરાસ્તરીય અને આતંકી કનેક્શન હોઈ શકે છે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આ પણ વાંચો ડ્રગ્સ કેસના 3 આરોપીના ATSએ 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ લીધા
વડોદરા રહ્યું ડ્રગ્સનું એપિસેન્ટર ઉલ્લેખનીય છે કે, વડોદરા નજીક આવેલી મોકસી ગામની સીમમાંથી નેકટરકેમ નામની કંપનીમાંથી ગુજરાત ATS દ્વારા દરોડો પાડી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ વડોદરા નજીક આવેલા સાકરદા ગામે ગોડાઉનમાં પણ ગુજરાત ATSની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ મોટા પ્રમાણમાં મળી આવ્યું હતું. આ બંને ઘટનાઓ બાદ ફરી એકવાર ગુજરાત ATS દ્વારા વડોદરાની નજીક આવેલી સિંધરોટ ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી લેવામાં આવી હતી. ત્યારબાદ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં એક દુકાનમાંથી ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.