વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારના આશરે ફ્લેટ ખાતે રહેતા નિશાંત પટેલ બીકોમમાં અભ્યાસ કરે છે. તેમનો પરિચય નીતિન ઢોમસે,રહે, અવિરાજ કોમ્પ્લેક્સ, મહાજનની ગલી, રાવપુરા સાથે થયો હતો.આ અરસામાં તેણે નિશાંત પટેલને કહ્યું હતું કે, મારી ઓળખાણ છે, હું તને બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી અપાવીશ.

જેના માટે તારે પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના પુરાવા મને આપવા પડશે. જેથી નિશાંત પટેલે તેને પુરાવા આપ્યા હતા અને રેસકોર્સ ખાતે આવેલા કરૂર વૈશ્ય બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું. ત્યારબાદ થોડા દિવસ પછી અચાનક ફાઇનાન્સ કંપનીમાંથી ફોન આવ્યો હતો કે, તમારો એક્ટિવાનો હપ્તો ક્યારે ભરશો, લોન લીધી ન હોવા છતાં હપ્તો ભરવાની વાત સાંભળીને નિશાંત ચોંકી ઉઠ્યો હતો.
આ મામલે તપાસ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.જેને લઈ નિશાંત પટેલ તુરંત જ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નીતિન ઢોમસે વિરૂદ્ધ છેતરપિંડની ફરિયાદ નોંધાવી હતી. નિશાંતની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે નીતિન વિરૂદ્ધ છેતરપિંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.