મળતી માહિતી મુજબ શહેરમાં કેટલાક વેપારીઓ વિદેશી સિગારેટના પેકેટ ઉપર આરોગ્ય અંગેની ચેતવણીનું ચિત્ર ડિસ્પ્લે થયું ન હોય તેવી સિગારેટોનો જથ્થો ગેરકાયદે આયાત કરી તેનું વેચાણ કરે છે અને એક શખ્સ સ્કૂટર પર આ સિગારેટોની ડિલીવરી કરવા માટે વાઘોડિયા રોડ ચેકપોસ્ટ પાસેથી પસાર થવાનો છે, તેવી બાતમીના આધારે પાણીગેટ પોલીસે વાઘોડિયારોડ પર વોચ ગોઠવી હતી. બાતમીના આધારે શખ્સને રોકી તેની પાસેના થેલામાં તપાસ કરતા વિદેશી સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે થેલામાં ચેક કરતા વિવિધ વિદેશી બ્રાંડની રૂ.68 બજાર કિંમતની 340 સિગારેટના બોક્સ મળ્યા હતાં. પ્રતિક અગ્રવાલની વધુ પૂછપરછ કરતાં સિગારેટનો વધુ જથ્થો તેના ઘરે છુપાવ્યો હોવાનું જણાવતા પોલીસે તેના ઘરે દરોડો પાડતા વધુ રૂ.4.32 લાખ કિંમતના 2160 સિગારેટના પેકેટ મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં સિગારેટનો જથ્થો મળતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.જોકે આ સમગ્ર મામલે પોલીસે સિગારેટના પેકેટ, એક મોબાઇલ અને સ્કૂટર મળી કુલ રૂ.5.27 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.