વડોદરા: વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર દેશને તેના ભરડામાં લીધો છે. જેને નાબૂદ કરવા તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. પણ હજુ સુધી કોરોના પર કાબુ મેળવવા સફળતા મળી નથી. જ્યારે શહેરમાં રોજબરોજ 100 થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ વડોદરા મહાનગરપાલિકાના ચોપડે નોંધાઈ રહ્યા છે. બીજી તરફ હોસ્પિટલો પણ હાઉસફૂલ થતાં છેલ્લાં ઘણા સમયથી ખાનગી હોસ્પિટલોને કોવિડ સારવારની મંજૂરી આપવામાં આવી રહી છે. જોકે, ઘણી જગ્યાએ આ હોસ્પિટલો રહેણાંક વિસ્તારોમાં આવતી હોવાથી આસપાસના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો.
- આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના નવા 1181 પોઝિટિવ કેસ નોંધાયા, 1413 ડિસ્ચાર્જ, 9 મોત, કુલ કેસ 1,51,596
જેને લઇને ફતેગંજ કમાટીપુરામાં આવેલી સિદ્ધાર્થ હોસ્પિટલને કોવિડની સારવારની મંજૂરી આપવામાં આવતા રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે રહીશોનું કહેવું છે કે, અહીં 2000 ની વસ્તી ધરાવતો આ વિસ્તાર છે. સિદ્ધાર્થ હોસ્પિટલની આસપાસ 8 થી 10 સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં સિનિયર સિટીજનો અને નાનાં બાળકો રહે છે, તેમજ લોકોમાં કોરોના ફેલાવાનો ભય ફેલાયો છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં મહિલાઓની ડિલિવરી પણ કરવામાં આવે છે. જેથી આ હોસ્પિટલને કોવિડ સારવારની અપાયેલી મંજૂરી રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી.