- કરજણ APMCમાં કપાસ નહીં લેવાતાં ખેડૂતોમાં રોષ
- ખેડૂતોએ કપાસ સળગાવી ઉગ્ર સૂત્રોચાર કરી હોબાળો મચાવ્યો
- અધિકારીઓએ ભેજનું કારણ જણાવી કપાસ રિજેક્ટ કર્યો
વડોદરાઃ કરજણ APMC ખાતે અધિકારીઓએ કપાસમાં ભેજ વધુ હોવાનું જણાવી ખેડૂતોનો કપાસ લેવાનો ઈન્કાર કર્યો છે. જેથી ખેડૂતોએ APMC સંકૂલમાં ઉગ્ર સૂત્રોચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો.
કરજણની જમીન કાળી હોવાના કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ
આ અંગે મીડિયા સમક્ષ નિવેદન આપતા એક ખેડૂતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. જેમાં કરજણને સેન્ટર આપવામાં આવ્યું છે. કરજણની જમીન કાળી હોવાના કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ છે, ત્યારે APMCના અધિકારીઓ ભેજનું બહાનું આગળ ધરી કપાસ લેવાનો ઈન્કાર કરી રહ્યા છે.
અધિકારીઓ પર આક્ષેપ કરાયા
કપાસ વેચવા આવેલા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે, અધિકારીઓ દલાલોનો કપાસ અડધી રાતે પણ ખરીદી કરી છે, જ્યારે ખેડૂતોનો કપાસ ધોળા દિવસે પણ લેવાતો નથી. આ અંગે સંબંધિત અધિકારીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 55થી 60 ટ્રેક્ટર કપાસ ખરીદવામાં આવ્યો છે. ભેજવાળો કપાસ અમે ખરીદી શકતા નથી.