વડોદરા: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી રાહત મેળવવા સ્વિમિંગ પૂલનો સહારો લેતા હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ ચાર સ્વિમિંગ પૂલ બનાવ્યા છે. જોકે, ગરમીના કારણે અહીં સ્વિમર્સની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ શહેરમાં આવેલા સ્વિમિંગ પૂલોમાં કારેલીબાગ, લાલબાગ અને રાજીવગાંધી સ્વિમિંગ પૂલ હાલમાં કાર્યરત્ જોવા મળી રહ્યો છે. જ્યારે સરદારબાગ સ્વિમિંગ પૂલ બંધ હાલતમાં હોવાથી તે વિસ્તારના સ્વિમર્સને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ Summer 2023: આકરી ગરમીથી બચવું છે તો જાણી લો સરળ અને હાથવગા ઉપચારો
મહિલા ટ્રેનરનો અભાવ: મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ સ્વિમિંગ પૂલમાં હાલમાં સ્વીમર, લર્નર અને લેડીઝ એમ ત્રણ બેચ ચાલી રહી છે. આમાં કારેલીબાગ અને લાલબાગ સ્વિમિંગ પૂલમાં 2 સ્વિમિંગ પૂલ હોવાથી ત્યાં બેબી સ્વિમિંગ પૂલમાં પણ અન્ય બેચ ચાલી રહી છે. જોકે, હાલમાં આ તમામ સ્વિમિંગ પૂલ માટે 7 જેટલા ટ્રેનર છે. તો આમાં લાલબાગ અને રાજીવગાંધી પૂલ ખાતે મહિલા ટ્રેનરનો અભાવ જોવા મળી રહ્યો છે.

સ્વિમિંગ પૂલ માટે નિયત કરેલી ફી: હાલમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સ્વિમિંગ પુલમાં અલગ અલગ ત્રણ વિભાગોમાં નોંધણી કરવામાં આવે છે. જેમાં સામાન્ય (તરવૈયા) વ્યક્તિ માટે પ્રવેશ ફી 50 રૂ., માસિક 500 રૂ. અને વાર્ષિક 4500 રૂ. લેવામાં આવે છે. જ્યારે મહાનગરપાલિકા સ્ટાફ માટે પ્રવેશ ફી 25 રૂ.,માસિક 250 રૂ. અને વાર્ષિક 2000 રૂ ફી નિયત કરવામાં આવી છે. સૌપ્રથમ વાર શિખાઉ સભ્ય માટે પ્રવેશ ફી 50 રૂ.,સભ્ય ફી 500 રૂ. અને શિખાઉ ફી માસિક ધોરણે 300 રૂ. એટલે કુલ 850 રૂ નિયત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Today Gujarat Weather: ખેડૂતોને ઉપાધી, આવતા 5 દિવસમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા
ટૂરિસ્ટ ઑફિસર શું કહે છે: આ અંગે ટૂરિસ્ટ ઑફિસર અંકુશ ગરૂડ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં 4 સ્વિમિંગ પૂલમાંથી એક બંધ છે, જે મેઈન્ટેનન્સના કારણે બંધ છે. તો આવનાર સમયમાં સત્વરે ખલે તે માટે અમારા પ્રયાસો ચાલુ છે. તેમ જ મહિલા ટ્રેનર માટે અન્ય 2 જગ્યા માટે અમારી પ્રોસેસ ચાલુ છે. હાલમાં સ્વિમિંગ માટે મોટી સંખ્યામાં અલગ અલગ બેચ દ્વારા સ્વીમર્સ અને લર્નર આવી રહ્યા છે.