વધુમાં જણાવીએ તો, વડોદરા શહેરમાં ચોમાસાએ જમાવટ કરતા ભારેથી અતિભારે વરસાદ થયો હતો. બુધવારની બપોરે 2થી 4 વાગ્યા સુધી માત્ર 2 કલાકમાં 6 ઇંચ અને સાંજે છ વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સાત ઇંચ વરસાદ આવ્યો હતો. સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી 24 કલાકના સમયગાળામાં કુલ 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી ચુકી છે. વિશ્વામિત્રી સપાટીમાં પણ વધારો થતાં કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરાયા છે. એકધારા સતત વરસાદના કારણે તંત્રને પણ સાબદુ કરાયું છે. વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા અને કાંઠા વિસ્તારના લોકોને NDRF ટીમ દ્વારા રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

મેઘરાજાના રૌદ્ર સ્વરુપથી વર્ષ 2005માં ખાબકેલા વરસાદે શહેરમાં તારાજી સર્જી હતી. જેની યાદ લોકોને તાજી થઇ હતી. અલકાપુરી વિસ્તારને જોડતું સ્ટેશનનું ગરનાળુ પણ બંધ થઇ જતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના સંપર્ક વ્યવહારને પણ અસર પડી હતી.

વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે સંખ્યાબંધ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘરોમાં પાણી ભરાઇ જતા લોકોએ પાણી બહાર કાઢવા ભારે કસરત કરવી પડી હતી. આ ઉપરાંત શહેરના અનેક માર્ગો પર પણ પાણી ફરી વળતા અનેક રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર થઇ છે. જો કે શહેરના નીચાણવાળા વિસ્તારમાં NDRFની ટીમ દ્વારા 42 લોકોને બચાવવામાં આવ્યા હતા. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણીમાં ફસાયેલા લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
