વડોદરા: વડોદરા રેલવે સ્ટેશનના (Vadodara Railway Station) PRO પ્રદીપ શર્મા દ્વારા પ્રેસનોટ જાહેર કરી જણાવવામાં આવ્યુ છે કે, પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા અભિનવ પ્રયોગ કરતા અનોખી પહેલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશન પર સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સાંસદ ફંડમાંથી મોટરાઇઝ્ડ સ્ટેયર ક્લાઇંબર વ્હિલચેરનો (Motorized wheelchair at vadodara railway station) શુભારંભ કરવામાં આવ્યો છે. આ વ્હિલચેરના માધ્યમથી વૃદ્ઘ, દિવ્યાંગજન અને અશક્ત લોકો એક પ્લેટફોર્મથી અન્ય પ્લેટફોર્મ તથા ટ્રેનના કોચમાં સીટ સુધી લઇ જઇ શકાશે. આ દરમિયાન સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરો એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ અન્ય પ્લેટફોર્મ પર લિફ્ટ કે એસ્કેલેટરની સુવિધા ટેકનિકલ કારણોસર ઉપલબ્ધ કરાવી શકાતી નથી. જેથી આ અનોખી રીત શોધી કાઢવામાં આવી છે.
સુવિધા માટે કેટલો ચાર્જ: ઉલ્લેખનીય છે કે, આ સુવિધા રેલવે સ્ટેશન પર 24 કલાક ઉપલબ્ધ છે. તેમજ ઓનલાઇન www.wheelchairatvadodara.com પરથી વ્હિલચેર બુકિંગ કરાવી શકાશે. આ સુવિધા ચાર્જેબલ છે એટલે કે વ્હિલચેરના ઉપયોગ માટે ચાર્જ વસૂલમાં આવશે. રેલવેના અધિકારીઓએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે, આ વ્હિલચેરનો ઉપયોગ કરવા માટે 600 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી: વડોદરા રેલવે સ્ટેશનના (Vadodara Railway Station) પ્લેટફોર્મ નંબર-1 પર ઉપલબ્ધ આ વિશેષ વ્હિલચેરનું બુકિંગ કરવા માટે 600 રૂપિયા ચુકવવાના રહેશે. ત્યાર બાદ એક કુલી અશક્ત કે, દિવ્યાંગ વ્યક્તિને વ્હિલચેર પર બેસાડી એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ કે ટ્રેનના કોચમાં સીટ સુધી લઇ જશે. એટલે કે માત્ર 50 કે 100 મીટર એક વ્યક્તિને લઇ જવાનો ચાર્જ અધધ 600 રૂપિયા ચુકવવો પડશે જે સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી. એટલું જ નહીં પણ આ ભાવ એટલો વધારે છે કે કોઇ વ્યક્તિ ટ્રેનના સ્લિપર કોચમાં મુંબઇ પહોંચી જાય.
સાંસદે ગ્રાન્ટ આપી છતાં 600 રૂપિયા ફી: વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ (Vadodara MP Ranjanben Bhatt) દ્વારા તેમના ફંડમાંથી ત્રણ વ્હિલચેર આપવામાં આવી છે અને લોકોની સુવિધા માટે છે. તો પછી સવા લાખ રૂપિયાની કિંમતની વ્હિલચેરનો એક જ વખત ઉપયોગ કરવો હોય તો 600 રૂપિયા એટલી ફી અશક્ત અને દિવ્યાંજને કેમ ચુકવવી પડે? આ સવાલનો જવાબ જાણવા પૂછતાં આ વ્હિલચેર ના સંચાલન કરતી વેબસાઈટ, કુલી અને અન્ય ચાર્જ અંગે જાણવા મળતા 600 રૂપિયા ચાર્જ રખાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
કંપનીએ રેલવેને સવા લાખમાં આપી વ્હિલચેર: ETV ભારત દ્વારા આ વ્હિલચેર બનાવનાર કંપની સીડીવ્હિલચેરના ભાગીદાર જમશેદ દલાલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે વિવિધ પ્રકારની વ્હિલચેર બનાવીએ છીએ. 25 હજારથી લઇને 1 લાખ 64 હજાર સુધીની કિંમતની વ્હિલચેર બનાવીએ છીએ. અમે રેલવે વિભાગને જે વ્હિલચેર વેચી છે તે 1 લાખ 26 હજારમાં પ્રતિ વ્હિલચેરના ભાવે વેચી છે. રેલવેને નાની વ્હિલચેર જોઇતી હતી જે ટ્રેનના કોચની અંદર સુધી જઇ શકે જેથી અમે તેને કસ્ટમાઇઝ કરી આપી છે.