- રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ અભિયાન હેઠળ પશુઓને ટેગ લગાવવાની કામગીરી વેગવંતી બની
- વડોદરા જિલ્લામાં 1 લાખથી વધુ પશુઓનું ટેગીંગ કરાયું
- સરકારના ઈનાફ પોર્ટલમાં માલિકથી માંડી પશુઓની સમગ્ર માહિતીની વિગતવાર નોંધણી
વડોદરાઃ ભારત સરકારના રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે આધારકાર્ડ અને હેલ્થ કાર્ડ બની રહેનારી ટેગ લગાવવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લામાં 1 લાખની વધુ પશુઓનું ટેગીંગ કરવામાં આવ્યું છે.

જિલ્લામાં ટેગીંગ પાત્ર 4 લાખ પશુઓ હોવાનો અંદાજ
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ 2020ના નવેમ્બર મહિનાથી પશુઓના કાનના ભાગે ટેગ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથા આ અંગે વડોદરા જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ.પ્રકાશ દરજીએ જણાવ્યું કે, જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ ટેગીંગને પાત્ર ગાય અને ભેંસ વર્ગોના અંદાજે 4 લાખ પશુ હોવાનો અંદાજ છે. જે પૈકી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ પશુઓનું ટેગીંગ થઈ ગયું છે. આ અભિયાન હેઠળ ભારત સરકારના ઇનાફ પોર્ટલમાં સંબંધિત પશુના માલિકથી લઈને તેમને આપવામાં આવેલી વિવિધ પ્રકારની રસીઓ, પ્રવર્તમાન હોય તેવા રોગો, પશુઓની ઓળખ, કૃમિનાશક દવા વગેરે બાબતોની વિગતવાર નોંધણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને બનાવવામાં આવેલી વિશેષ ટેગ જે તે પશુને લગાવવામાં આવે છે. આ એક ખૂબ વ્યાપક અને પરિશ્રમ માંગી લેતી કામગીરી છે.
કુદરતી આફતોમાં ટેગ પશુના મરણ અંગે માલિકોને સહાય આપવાનું સરળ બનશે
પશુઓને લગાવવામાં આવતા આ ટેગથી કુદરતી આફતોના સમયે માલિકોને પશુ મરણના કિસ્સામાં સહાય આપવાનું સરળ બનશે. જેની સાથે પશુના આરોગ્ય અને ઓળખની તમામ માહિતી ખાતા પાસે ઉપલબ્ધ રહેશે. આમ આ ટેગ જે તે જાનવર માટે આધાર સહ હેલ્થ કાર્ડની ગરજ સારશે.ખા સ કરીને ખરવાસા મોવાસાનો રોગ પશુઓને શારીરિક અશક્ત બનાવે છે અને દૂધનું ઉત્પાદન ઓછું કરવાની સાથે ગુણવત્તા બગાડે છે. જેથી તેની અસરને લીધે પશુ ઉત્પાદનોની નિકાસ અવરોધાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાને 2025 સુધીમાં ખરવાસા મોવાસાના પશુ રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય આપ્યું છે. જેના ભાગ રૂપે જ ટેગ લગાવવાની કામગીરી સહિત આયોજનબદ્ધ રીતે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને દૂધાળા ગાય,ભેંસ વર્ગના પશુઓની આરોગ્ય રક્ષા અને ઉત્પાદકતા જાળવવા કે વધારવાના આયોજનમાં આ ટેગ આધારિત માહિતી ભંડાર ખૂબ ઉપયોગી બની રહેવાનો છે, ત્યારે જિલ્લાના પશુપાલકો ટેગ લગાવવાની કામગીરી કરતી ટીમને ઉચિત સહયોગ અને સચોટ જાણકારી આપે તેવો અનુરોધ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ.પ્રકાશ દરજીએ કર્યો છે.