- આગામી પાંચ દિવસ હળવા તથા ભારે વરસાદની અગાહીને લઈને વહીવટી તંત્ર સજ્જ
- ડેમ અને તળાવોની આસપાસના ગામોને એલર્ટ કરી મામલતદાર ટીડીઓને સૂચના અપાઈ
- વાઘોડિયા તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ બન્યા
વડોદરા: જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે અનેક ગામોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. જેમાં વડોદરાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોનો પાણીમાં ગરકાવ થયા છે. બુધવારે સવારે વડોદરાથી વાઘોડિયા તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. વાઘોડિયાને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અધિકારીઓને સલામતીના પગલાં તાત્કાલિક ધોરણે ભરવા અને હેડકવોટર્સ નહીં છોડવા આદેશ આપવામાં આવ્યો હતો.
સૌથી વધુ પાદરામાં 93 ટકા વરસાદ
આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા તથા ભારે વરસાદની આગાહીના પરિણામે વડોદરા શહેર-જિલ્લામાં અસર કરતાં ડેમ અને તળાવો તથા તેની આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને વઢવાણા તળાવ તથા તેની આસપાસના તેર ગામોને એલર્ટ કરી સૂચના આપી સલામતીના પગલાં તાત્કાલિક ધોરણે ભરવા અને હેડ ક્વોટર ન છોડવા આદેશ સાથે દરેક તાલુકા લેવલે કલાસ વન અધિકારીની નિમણૂક કરી મામલતદાર ટીડીઓની ટીમ બનાવવામાં આવી છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. હાલ વડોદરા શહેર જિલ્લામાં 64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે સૌથી વધુ પાદરામાં 93 ટકા વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: ભાવનગર જિલ્લામાં 20 ટકા વરસાદની હજુ ઘટ, જાણો ડેમમાં પાણીની સ્થિતિ
પીપળીયા ગામમાં આવેલી નવીનગરી બેટમાં ફેરવાઈ
પીપળીયા ગામમાં આવેલી નવીનગરી બેટમાં ફેરવાઈ હતી માર્ગ પર પાણી ફરી વળતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ જિલ્લાના ધારાસભ્યો દૂધ ઉત્પાદકોને ન્યાય અપાવવા મ્યાનમાંથી તલવાર કાઢીને વાઢી નાખવા સુધીના નિવેદનો કરતા ફરી રહ્યા છે. જ્યારે તેઓના જ વિધાનસભા મતવિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. 30 વર્ષથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવના મત વિસ્તાર વાઘોડિયાની હાલત કંઈક એવી હતી કે, મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાઈ પડ્યો હતો.
આ પણ વાંચો: ભાવનગરમાં વરસાદની ધમાકેદાર કડાકા સાથે એન્ટ્રી : ઉમરાળામાં પોણા બે ઇંચ વરસાદ
વરસાદના કારણે રાહદારીઓને ભારે હાંલાકી
વાઘોડિયા GIDCમાં નોકરી પર જતાં અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા હતા. વાઘોડિયા રોડના ગાયત્રી મંદિરથી પીપળીયા ગામ સુધી એક તરફના માર્ગનો પાણીમાં ગરકાવ થયો હતો એટલું જ નહીં પીપળીયા ગામમાં જવાના રસ્તામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. ગામના લોકોને ટ્રેક્ટરમાં અવર જવર કારવાની નોબત આવી ગઈ હતી. પીપળીયા ગામમાં આવેલી નવી નગરી બેટમાં ફેરવાઈ ગઈ હતી. જ્યારે જાંબુઆ નદીમાં પાણી આવતા આસપાસના અનેક વિસ્તારોનો પાણીમાં ગરકાવ થયા હતા. પીપળીયા ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જાંબુઆ નદીમાં પૂરની સ્થિતિ દર વર્ષે સર્જાય છે. ત્યારે સિંચાઈ વિભાગમાં વારંવારની રજૂઆતો કરી છતાંય ગ્રાન્ટના અભાવનો હવાલો આપી કામ કરવામાં આવતું નથી. આ વર્ષે પણ ગ્રાન્ટની જોગવાઈ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર કામ શરૂ થયું નથી. જ્યારે બુધવારે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને લઈને વાઘોડિયાના તાલુકા વિકાસ અધિકારીએ પણ અસરગ્રસ્ત ગામોનો મુલાકાત લીધી હતી.